લિન્કનઃ અમેરિકાના નેબ્રાસ્કા સ્ટેટમાં એક એવું ગામ છે, જ્યાં વસવાટ કરનારી માત્ર એક જ મહિલા છે. તે જ ગામની મેયર છે. તે જ બાર ચલાવે છે અને તે જ પુસ્તકાલય પણ સંભાળે છે. ગામના સરકારી કામથી લઈને પ્રવાસીઓને ખાવા-પીવાનું આપવા સુધીની જવાબદારી પણ તેની પાસે જ છે. કુતૂહલવશ પ્રવાસીઓથી લઇને આસપાસના ગામના લોકો નાના-નાના કામે આ ગામે આવતા રહે છે તેથી દિવસ દરમિયાન થોડીક ચહલપહલ જોવા મળે છે. બાકીના સમયમાં એલ્સી ભલું અને તેનું ગામ ભલું.
મહિલાનું નામ એલ્સી આઈલર છે. તે 2003થી મોનોવી ગામમાં એકલી રહી છે. પતિ રુડીના અવસાન બાદ ગામમાં એલ્સી જ એકમાત્ર રહેવાસી રહી ગઈ છે. એલ્સી મેયરના હોદ્દાની સાથે સાથે ટાઉન ક્લાર્ક, ટ્રેઝરર અને સેક્રેટરી તરીકેની જવાબદારી પણ સંભાળે છે. દર વર્ષે તેણી પોતાનું લાયસન્સ પોતે જ જાહેર કરે છે અને તેના પર સાઈન પણ પોતે જ કરે કરે છે. બારમાં રોજ 50 લોકો પહોંચે છે. એલ્સી 1971થી ગામનો બાર ચલાવી રહી છે. અહીં આસપાસના ગામના 50 લોકો ખાવા-પીવા માટે આવે છે.


