ટાંઝાનિયા: એક શખસ ઈસ્માઈલ અજીજીને લોકો હવે અમર માણસ કહેવા લાગ્યા છે. કારણ એવું છે કે તે એકાદ - બે વાર નહીં પણ છ - છ વાર મોતના મુખમાં જઇને પાછો ફર્યો છે. દર વખતે અંતિમક્રિયાના સ્થળેથી પાછા ફરતા આ વ્યક્તિ અંગે હવે સ્થાનિક લોકો પણ એવું માનવા લાગે છે કે તેને યમરાજ સાથે ‘ભાઇબંધી’ છે.
હકીકતમાં ઈસ્માઈલ અજીજીની કહાનીની શરૂઆત એક સામાન્ય દુર્ઘટનાથી થઈ. આફ્રીમેક્સની એક ડોક્યુમેન્ટ્રી અનુસાર, એક સમયે તે પોતાની ઓફિસમાં હતો, ત્યારે ગંભીર દુર્ઘટનાનો શિકાર થઈ ગયો. હાલત એટલી ખરાબ હતી કે તેને તરત દવાખાને લઈ જવાયો. ડોક્ટરે તપાસ બાદ મૃત ઘોષિત કર્યો. પરિવાર ભાંગી પડ્યો અને અંતિમ સંસ્કારની તૈયારી શરૂ કરી. જોકે કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. જ્યારે તેનું શરીર તાબૂતમાં રાખીને સ્મશાન તરફ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક તે ભાનમાં આવ્યો અને તાબૂતમાંથી બહાર નીકળવાની કોશિશ કરવા લાગ્યો. આ દૃશ્ય જોઈને ત્યાં હાજર બધા ડરી ગયા અને ચોંકી ગયા. પછી તાબૂતમાંથી તેને બહાર કાઢીને ઘરે લઇ ગયા.
પહેલી ઘટના બાદ લોકોને લાગ્યું કે આ ખાલી એક સંયોગ હતો, બાકી આવું થયું નહીં. થોડા સમય બાદ ઈસ્માઈલને ગંભીર મલેરિયા થયો. ડોક્ટરે તેને ફરીથી મૃત ઘોષિત કરી દીધો, પણ તે ફરી એક વાર પરત ફર્યો. ત્યાર બાદ એક ભયાનક કાર અકસ્માતમાં તે કોમામાં જતો રહ્યો. હાલત એટલી ખરાબ હતી કે આ વખતે પણ તેને મૃત માની લેવાયો, પણ થોડા સમય બાદ તેણે ફરીથી આંખો ખોલી અને આ દુનિયામાં એ રીતે પાછો ફર્યો જાણે કંઈ થયું જ ન હોય.
ઈસ્માઈલની જિદગીમાં સૌથી ડરામણી ઘટના તો ત્યારે બની જ્યારે તેને એક ખતરનાક ઝેરી સાંપે ડંખ મારી લીધો. પરિવારે તેને મૃત માની અંતિમ સંસ્કારની તૈયારી શરૂ કરી દીધી, પણ ડર અને શંકાના કારણે તેને તરત દફન ન કર્યો. ત્રણ દિવસ બાદ, જ્યારે તેના પુનઃ જીવિત થવાની આશા લગભગ ખતમ થઈ ચૂકી હતી ત્યારે અંતિમવિધિની તૈયારી શરૂ કરી. અને ઈસ્માઈલ ફરીથી જીવિત થઈ ગયો.
આ ઘટનાએ લોકોને હચમચાવી નાખ્યા. આટઆટલી ઘટનાઓ બાદ ઈસ્માઈલને લઈ લોકોમાં ડર ઊભો થવા લાગ્યો. તેના પાડોશીઓ તેને સામાન્ય માણસ નહીં પણ કોઈ રહસ્યમયી શક્તિ માનવા લાગ્યા. ડરના કારણે એક દિવસ તેના ઘરમાં આગ લાગી ગઈ. આ સમયે ઈસ્માઈલ અંદર જ હતો, પણ નવાઈની વાત એ છે કે આ ભયંકર આગમાં પણ તે સુરક્ષિત રીતે બહાર નીકળી આવ્યો. આ છઠ્ઠી વખત હતું જ્યારે તે મોતમાંથી વાપસી કરીને આવ્યો હતો.
સતત આવી ઘટનાઓથી લોકો તો આશ્ચર્યચકિત હતા, ઈસ્માઇલની પણ ઊંઘ હરામ થઇ ગઇ હતી. તે ગામ છોડીને સીમાડે રહેવા જતો રહો. ઈસ્માઈલ અજીજી હવે પોતાના જૂના ઘર અને સમાજથી દૂર એક વેરાન જગ્યા પર રહે છે. લોકો તેનાથી દૂર રહેવા લાગ્યા છે અને ઘણી વાર તેને ડરની નજરે જુએ છે. તેની કહાની આજે પણ લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બનેલી છે. કોઈ તેને ચમત્કાર કહે છે, તો કોઈ તેને રહસ્ય. પણ, એક વાત તો નક્કી છે કે ઈસ્માઈલ અજીજીની જિંદગી કોઈ ફિલ્મ વાર્તાથી કમ નથી, જ્યાં મોત પણ વારંવાર તેની સામે હારી જાય છે.


