અમરાવતી: આંધ્ર પ્રદેશ સરકારે અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ મજબૂત કરવા માટે નવી પહેલ શરૂ કરી છે. અલ્લુરી સીતારામા રાજુ જિલ્લાનાં અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં ડ્રોન દ્વારા દવાઓ અને મેડિકલ સામગ્રીની ડિલિવરીનો કાર્યક્રમ શરૂ કરાયો છે.
આરોગ્ય વિભાગે જિલ્લા વહીવટી તંત્ર અને અમેરિકા સ્થિત યુપીએસ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત ટેકનોલોજી પાર્ટનર રેડવિંગની સાથે મળીને આ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે.
આ પહેલનો ઉદ્દેશ અંતિમ છેડા સુધી ડાયનોગસ્ટિક સેમ્પલ, જરૂરી દવાઓ અને મેડિકલ સામગ્રી પહોંચાડવાનો છે. પાદેરુ મેડિકલ કોલેજ અને ગવર્મેન્ટ જનરલ હોસ્પિટલ (જીજીએચ)નાં નાના આરોગ્ય કેન્દ્રો સાથે જોડીને ડ્રોનના માધ્યમથી સેમ્પલ| મોકલાઇ રહ્યાં છે.
અત્યાર સુધીમાં 1000 ડ્રોન ડિલિવરી થઇ ચૂકી છે. આ ઉડાનોમાં કુલ 40,000 કિમીથી વધુનું અંતર કપાયું છે અને 25,000થી વધુ મેડિકલ ઉત્પાદનો પહોંચાડાયા છે. પ્રત્યેક ડ્રોન બે કિલોગ્રામ પેલોડ લઇ જવા સક્ષમ છે અને કોલ્ડ ચેઈન સુવિધાથી સજ્જ છે. જેથી દવાઓ અને બ્લડ યુનિટની ગુણવત્તા જળવાઈ રહે છે.
આ પહેલ આદિવાસી સમુદાયનાં આરોગ્યને સારુ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સડકોનો અભાવ અને દુર્ગમ વિસ્તારોમાં ડ્રોનનો ઉપયોગ આરોગ્ય સેવાને ઝડપી અને અસરકારક બનાવે છે.


