બૈજિંગઃ ચીનમાં આઇફોનના લેટેસ્ટ મોડેલ 6S માટે એવી ઘેલછા છવાયેલી છે કે લોકો તેના માટે કંઈ પણ કરવા તૈયાર છે. તાજેતરમાં એવા સમાચાર આવ્યા છે કે, આઇફોન 6S ખરીદવા માટે જરૂરી નાણા ભેગા કરવા બે વ્યક્તિઓ પોતાની કિડની વેચવા તૈયાર થઈ ગઇ હતી. આ ઘટના બાદ હવે ચીનમાં એક સ્પર્મ બેંકે વીર્યદાતાઓને અનોખી ઓફર આપી છે. આ સ્પર્મ બેંકે સતત સ્પર્મ ડોનેટ કરવા બદલ આઇફોન ખરીદવા માટે નાણા આપવાની જાહેરાત કરી છે.
ચીનના અખબાર ચિયાંગજાંગ ટાઇમ્સ મુજબ, શાંઘાઈ રેનજી હોસ્પિટલે વીર્યદાનના પોતાના અભિયાનમાં આઇફોન 6Sને સામેલ કરીને લોકોને આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે. હોસ્પિટલે પોતાની ઓનલાઇન પોસ્ટમાં લખ્યું છે કે, આઇફોન ખરીદવા માટે તમારે તમારી કિડનીઓ વેચવાની જરૂર નથી, તમે સરળતાથી આઇફોન 6S ખરીદી શકો છો.
આ પોસ્ટમાં આઇફોન 6Sનો ફોટો મૂકવામાં આવ્યો છે. તેમાં આગળ લખવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ ફૂલ હેલ્થ ચેકઅપ પાસ કરશે અને રેગ્યુલર વીર્યદાન કરશે, તેમને આઇફોન ખરીદવા માટે જરૂરી ૬ હજાર યુઆન એટલે કે, ૯૪૦ ડોલર ઇનામમાં આપશે. ઉલ્લેખનીય છે કે, ચીનમાં આઇફોન માટે ભારે ક્રેઝ છે. આ અગાઉ ૨૦૧૨માં જ્યારે આઇફોનનું નવું મોડેલ લોન્ચ થયું હતું ત્યારે બૈજિંગમાં એટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા કે વેચાણ અટકાવી દેવું પડ્યું હતું.