જયપુરઃ રાજહઠ, બાળહઠ અને સ્ત્રીહઠ... આ ત્રણ ક્યાં જઇને અટકે એની કોઇ કલ્પના પણ ન કરી શકે. રાજસ્થાનનાં હનુમાનગઢ જિલ્લાનાં નોહર તાલુકાનું કુઈયા ગામ આજકાલ શરાબની મોંઘામાં મોંઘી દુકાન માટે ચર્ચામાં છે. અને તેનું કારણ છે સ્ત્રીહઠ.
અહીં બે પરિવારો વચ્ચેની ખાનદાની લડાઈ બે મહિલાઓ માટે પ્રતિષ્ઠાનો જંગ બની હતી. શરાબની દુકાનનાં કોન્ટ્રેક્ટ માટે બે મહિલાઓ રણચંડી બની હતી પરિણામે દુકાનની હરાજીમાં રૂ. ૭૨ લાખની બોલીનો આંકડો વધતો વધતો આખરે રૂ. ૫૧૦ કરોડ સુધી પહોંચ્યો હતો. શરાબની દુકાન માટેની આ બોલી તેની રિઝર્વ પ્રાઇઝ કરતાં ૭૦૮ ગણી વધારે હોવાનું જાણવા મળે છે. કિરણ કંવર નામની મહિલાએ બોલી જીતી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિનના એક દિવસ પૂર્વે એક જ પરિવારની બે મહિલા વચ્ચેનો આ જંગ સૂચક હતો. હનુમાનગઢ વિસ્તારનાં આબકારી વિભાગ માટે આટલી ઊંચી બોલી જાણે લોટરી લાગવા સમાન પૂરવાર થઈ હતી. સામાન્ય રીતે શરાબની દુકાન ચલાવવાનું કામ પુરુષોનું છે પણ આ કિસ્સામાં મહિલાઓ વચ્ચે દુકાન ખરીદવા હરીફાઈ જામતા લોકો અચંબામાં પડી ગયા છે.
હવે દુકાન ન ખરીદે તો બ્લેક લિસ્ટ કરાશે
આબકારી વિભાગનાં અધિકારીઓને આટલી ઊંચી બોલી લગાવનાર વ્યક્તિ તોતિંગ રકમ ચૂકવીને દુકાન ખરીદશે કે કેમ તે મુદ્દે આશંકા છે. જો બિડનાં વિજેતા કિરણ કંવર દ્વારા દુકાન ખરીદવામાં નહીં આવે તો તેને પછીની હરાજી માટે બ્લેક લિસ્ટ કરવામાં આવશે. આશ્ચર્યની વાત એ છે કે નવેસરની હરાજી પહેલાં શરાબની આ દુકાન રૂ. ૬૫ લાખમાં વેચાઈ હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ વસુંધરા રાજે સરકાર દ્વારા શરાબ માફિયાઓ પર લગામ કસવા હરાજીની સિસ્ટમ બંધ કરાઈ હતી જેને ૧૫ વર્ષ પછી ગેહલોત સરકારે બદલી
નાખી છે.