આને કોળું કહેવું કે કોઠાર?! 1278 કિલો વજન, 21 ફૂટનો ઘેરાવો

Wednesday 30th September 2026 06:43 EDT
 
 

લંડનઃ હેમ્પશાયરમાં રહેતા જોડિયા બંધુઓ ઇયાન અને સ્ટુઅર્ટ પેટને 1,278.8 કિલોગ્રામ (2,819 પાઉન્ડ) વજનનું દુનિયાનું સૌથી મોટું અને વજનદાર કોળું (પમ્પકિન) ઉગાડીને ગિનીસ બુકમાં નામ નોંધાવ્યું છે. આ કોળાને તેમણે પ્રેમથી ‘મગલ’ (Muggle) નામ આપવામાં આવ્યું છે.

પેટન બંધુઓએ ઉગાડેલા આ કોળાએ માત્ર સૌથી વધુ વજન માટે જ નહીં, પરંતુ સૌથી મોટા ઘેરાવા (Circumference) માટે રેકોર્ડ પણ તોડ્યો છે. તેનો ઘેરાવો 21 ફૂટથી પણ વધુ (649.8 સેમી) નોંધાયો હતો.
આમ જૂઓ તો આ બન્ને ભાઇઓને આ સિદ્ધિ રાતોરાત નથી મળી. બન્ને ભાઈઓ છેલ્લા 50 વર્ષથી વિશાળકાય શાકભાજી ઉગાડવાનું કામ કરે છે. તેઓ જ્યારે 13 વર્ષના હતા ત્યારથી જ આ અનોખો શોખ ધરાવે છે. આ કોળાની વાત કરીએ તો તેને ગ્રીનહાઉસમાં 130 દિવસ સુધી ઉછેરવામાં આવ્યું હતું, જ્યાં તેને રોજનું અંદાજે 130 ગેલન (આશરે 490 લીટર) પાણી આપવામાં આવતું હતું. પેટન બંધુઓ રોજ તેની પાછળ 6 કલાક જેટલો સમય ફાળવતા હતા. તેમની આ મહેનતે વિશ્વવિક્રમજનક કોળાનું સર્જન કર્યું છે.

આ પહેલાં વિશ્વના સૌથી વજનદાર કોળાનો રેકોર્ડ અમેરિકાના મિનેસોટાના ટ્રેવિસ ગિન્જરના નામે હતો, જેમણે 1,246.9 કિલોગ્રામનું કોળું ઉગાડ્યું હતું. પેટન બંધુઓએ ઉગાડેલા કોળાનું વજન એક નાની કાર જેટલું છે અને બ્રિટનના ઇતિહાસમાં આ પ્રકારનો વર્લ્ડ રેકોર્ડ પ્રથમ વખત નોંધાયો છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter