પોર્ટો નોવો (બેનિન): દુનિયામાં અનેક રહસ્યમય અને અનોખા મંદિરો આવેલા છે, પરંતુ પશ્ચિમ આફ્રિકાના બેનિન દેશમાં એક એવું મંદિર છે જ્યાં અજગરોને ભગવાનની જેમ પૂજવામાં આવે છે. બેનિનના ઔઈડાહ શહેરમાં આવેલા આ મંદિરને ‘ટેમ્પલ ઓફ પાયથન્સ’ અર્થાત્ અજગરોના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. અહીં હજારોની સંખ્યામાં અજગરો મુક્તપણે ફરે છે અને સ્થાનિક લોકો તેમની પૂજા કરે છે.
આ નોખા-અનોખા મંદિરમાં મુખ્યત્વે રોયલ પાયથન પ્રજાતિના અજગરો વિહાર કરતાં જોવા મળે છે. અજગરની આ જાત ઝેરી હોતી નથી અને સ્વભાવે શાંત હોય છે. સ્થાનિક લોકોની માન્યતા મુજબ, આ અજગરો તેમના પૂર્વજો અને દેવતાઓનું સ્વરૂપ છે. જો કોઈ અજગર ભૂલેચૂકે કોઈના ઘરમાં પણ ઘૂસી જાય તો તેને મારવામાં આવતો નથી, પરંતુ અત્યંત સન્માન સાથે ઉપાડીને ફરી મંદિરમાં મૂકી આવવામાં આવે છે. અહીં અજગર સહિત કોઇ પણ પ્રકારના સાપને મારવો એ મોટું પાપ માનવામાં આવે છે.
મંદિરમાં આ અજગર માટે વિશેષ સુવિધાઓ છે. તેમને સમયસર ભોજન આપવામાં આવે છે અને તેમની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. દર સાત વર્ષે અહીં એક ભવ્ય ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવે છે, જેમાં દૂર-દૂરથી લોકો દર્શન માટે ઉમટી પડે છે. આ મંદિર હવે વિશ્વભરના પ્રવાસીઓ માટે કુતૂહલનું કેન્દ્ર બન્યું છે. પ્રવાસીઓ અહીં આવીને અજગરોને ગળામાં વીંટીને ફોટા પડાવે છે.


