ઇકોનોમી ક્લાસના બુકિંગમાં મળી બોઇંગની ચાર્ટર્ડ ફ્લાઇટ!

૩૬૦ સીટની ફ્લાઇટમાં ભાવેશ ઝવેરી એકલા મુંબઇથી દુબઇ પહોંચ્યા

Sunday 13th June 2021 04:37 EDT
 
 

મુંબઇઃ વાત માન્યામાં ન આવે તેવી છે, પરંતુ સાચી છે. એક વ્યક્તિએ ૧૯ મેના રોજ મુંબઈથી દુબઈ જતી એમિરેટ્સની ફ્લાઈટની ઇકોનોમી ક્લાસની ટિકિટ માટે રૂ. ૧૮,૦૦૦ (આશરે ૧૭૫ પાઉન્ડ) ચૂકવ્યા હતા અને વિમાનમાં એકલા જ મુસાફરી કરીને ચાર્ટર્ડ ફ્લાઇટની મજા માણી હતી.

ભારતમાં કોવિડ–૧૯ની બીજી લહેર ચાલી રહી હોવાથી યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)એ ભારતીય મુસાફરો પર પ્રવાસના કડક નિયંત્રણો લાગૂ કર્યા છે. પરંતુ, ગોલ્ડન વિઝા રેસિડેન્સી હોલ્ડર તરીકે ભાવેશ ઝવેરી તેમાંથી બાકાત હતા. આખી ફ્લાઈટમાં પોતે એકમાત્ર પેસેન્જર હતા તે જાણીને દુબઈના રહીશ ભાવેશ ઝવેરીએ જણાવ્યું હતું કે તેમને થયેલો આ અનુભવ ગમે તેટલા પૈસા ખર્ચો તો પણ ન થાય તેવો હતો.
૧૯ મેએ ભાવેશ ઝવેરીએ મુંબઈથી દુબઈની મુસાફરી કરી હતી. તેમણે પોતાને થયેલા અનુભવનો વીડિયો ઉતાર્યો હતો. તે હાલ વાયરલ થયો છે.

રૂ. ૭૦ લાખની ‘મજા’ ફક્ત રૂ. ૧૮ હજારમાં
પહેલા તો તેમણે તે વીડિયો તેમના ફેસબુક એકાઉન્ટ પર શેર કર્યો હતો અને ત્યાંથી તે ટ્વિટર અને વોટ્સએપ પર શેર થયો હતો. ભાવેશભાઇએ લખ્યું કે મુંબઈથી દુબઈ જતી ફ્લાઈટ EK-501માં એક માત્ર પેસેન્જર તરીકે મુસાફરી કરવાની ભાગ્યે જ મળતી તક મને સાંપડી. મેં મારા માટે ૩૬૦ પેસેન્જરની કેપેસિટીવાળું બોઈંગ 777-300 વિમાન ચાર્ટર કર્યું હોય તેવું મને લાગ્યું. જો તમે મુંબઇથી દુબઇ જવા માટે 777-300 બોઇંગ બુક કરાવો તો પૂરા ૭૦ લાખ રૂપિયા ચૂકવવા પડે, પણ ભાવેશભાઇએ માત્ર ૧૮ હજાર રૂપિયામાં આ મજા માણી.
વાત એમ હતી કે ભારતમાં કોવિડ–૧૯ની બીજી લહેર ચાલી રહી હોવાથી યુએઈએ ભારતથી આવતા લોકો પર નિયંત્રણો લાગૂ કર્યા છે. પરંતુ યુએઈના નાગરિકો તેમજ ગોલ્ડન વિઝા ધરાવતા લોકોને તેમાં ખાસ છૂટ આપવામાં આવી છે. બીજી તરફ દુબઈથી આવતી ફ્લાઈટ પર ભારતમાં કોઈ પ્રતિબંધ નથી. તેથી આ ફ્લાઈટ દુબઈથી ભારત તો આવી ગઈ હતી, પરંતુ ઉપરની બે કેટેગરી સિવાય બીજા કોઈ પેસેન્જર તેમાં મુસાફરી કરી શકે તેમ નહોતા. ભાવેશ ઝવેરી યુએઈના ગોલ્ડન વિઝા ધરાવે છે, અને તેમણે રેગ્યુલર ફ્લાઈટ સસ્પેન્ડ થયા બાદ થોડા સમય પહેલા જ આ ફ્લાઈટની ટિકિટ બુક કરાવી હતી.
ભાવેશ ઝવેરીએ જણાવ્યું હતું કે, મોટાભાગે તેઓ બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરે છે, પરંતુ આ વખતે તેમને થયું કે, આમ પણ કોરોનાકાળમાં દુબઈ જનારા વધુ લોકો નહીં હોય તેથી તેમણે ઈકોનોમી ક્લાસની ટિકિટ બુક કરાવી હતી.
ફેસબુક પર શેર કરેલા વીડિયોમાં તેમણે જણાવ્યું કે સામાન્ય રીતે તેઓ વીડિયો ઉતારતા નથી. પરંતુ, આજે તેમને પોતે ખાસ હોય તેવું લાગ્યું કારણ કે એમિરેટ્સની મુંબઈથી દુબઈ જતી ફ્લાઈટમાં તેઓ એક માત્ર પેસેન્જર છે.

કેબિન ક્રૂએ તાળીઓથી સ્વાગત કર્યું
વિમાનમાં પ્રવેશતા પહેલા તેમણે વીડિયોમાં લગભગ ખાલી એવું મુંબઈ એરપોર્ટ બતાવ્યું. ઝવેરી વિમાનમાં પ્રવેશ્યા કે તરત જ તાળીઓના ગડગડાટ સાથે કેબિન ક્રૂ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું,
આ ઉપરાંત ફ્લાઈટના કેપ્ટને પણ ફ્લાઇટમાં ઝવેરીનું સ્વાગત કર્યું અને કહ્યું કે સામાન્ય રીતે તેઓ પબ્લિક એનાઉન્સમેન્ટ કરતા હોય છે. પરંતુ, આજે ફ્લાઈટમાં તમે એક જ પેસેન્જર છો એટલે હું તમારી સાથે સીધા વાત કરીશ. ઝવેરીએ જણાવ્યું કે એકમાત્ર પેસેન્જર હોવાથી તેઓ સન્માનની લાગણી અનુભવે છે. તેઓ ખૂબ ખુશ છે અને રોમાંચ અનુભવે છે.

સ્ટાફ તમારી જ રાહ જોઇ રહ્યો છે...
સવારે ૪.૩૦ વાગે ટેક-ઓફ કરનારી ફ્લાઈટ માટે તેઓ એરપોર્ટ પહોંચ્યા ત્યારે તેમને અંદર પ્રવેશ આપવાની પણ મનાઈ કરી દેવામાં આવી હતી કારણ કે તેમની ટિકિટ પર તારીખ જ ન હતી. તેમણે એન્ટ્રન્સની બહાર ઉભા રહીને એમિરેટ્સની ઓફિસે ફોન કર્યો તો તેમને કહેવાયું કે ફ્લાઈટ નંબર EK-501માં તે એક માત્ર પેસેન્જર છે અને આખો સ્ટાફ માત્ર તેમની જ રાહ જોઈ રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter