કૈરોઃ ઈજિપ્તની સુપ્રસિદ્ધ ‘વેલી ઓફ કિંગ્સ’માંથી આશરે 2000 વર્ષ પુરાણા તમિલ-બ્રાહ્મી સહિતની ભારતીય ભાષાઓમાં લખાયેલા લગભગ 30 શિલાલેખ મળ્યા છે. આ શિલાલેખ પહેલીથી ત્રીજી સદી ઈસ્વી વચ્ચેના હોવાનું માનવામાં આવે છે. આ શિલાલેખોમાં 20 તમિલ-બ્રાહ્મી લિપિમાં છે જ્યારે બાકીના સંસ્કૃત-પ્રાકૃતમાં છે.
આ શોધ એ વાતનો નક્કર સંકેત આપે છે કે તે સમયમાં ભારતીય વેપારીઓ મસાલાના વેપાર માટે ઈજિપ્ત આવતા-જતા હતા. શિલાલેખોમાં ‘સિકઈ કોર્રન’ નામ આઠ વખત નોંધાયેલું જોવા મળ્યું છે, જેને તમિલ વેપારી માનવામાં આવે છે. આ વિસ્તાર થિબ્સ (લક્ઝર)માં આવેલો છે. આ શિલાલેખો લક્ઝર નજીકના પહાડી રસ્તાઓ પર કોતરાયેલા છે, જે પ્રાચીન રેડ સી (લાલ સમુદ્ર)ના બંદરોને નાઈલ નદી સાથે જોડતા હતા. નિષ્ણાતોના મતે, આ ખૂબ મહત્ત્વના શિલાલેખો માત્ર વેપાર જ નહીં પણ ભારતીય ખલાસીઓની સાંસ્કૃતિક હાજરી પણ દર્શાવે છે.


