ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના પ્રવાસે જવું છે? ટિકિટ છે ફક્ત ૫.૫ કરોડ ડોલર!

Friday 05th February 2021 05:40 EST
 
 

ન્યૂ યોર્કઃ અમેરિકી કંપની એક્સિમ સ્પેસ દ્વારા આવતા વર્ષે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)નો પ્રથમ ખાનગી પ્રવાસ યોજાનાર છે. આ પ્રવાસ માટે ૩ પ્રવાસી પસંદ થયા છે. અને આ દરેક પ્રવાસી સ્પેસ ટ્રીપ માટે અધધધ ૫.૫ કરોડ ડોલર (અંદાજે ૪૦૦ કરોડ રૂપિયા) ચૂકવશે. ધનપતિઓમાં અવકાશ પ્રવાસનું આકર્ષણ અવશ્ય હોય છે, પણ એ પ્રવાસની ઈચ્છા આસાનીથી પુરી થતી નથી. કેમ કે પ્રવાસ માટે આર્થિક ક્ષમતા ઉપરાંત શારીરિક અ–ે માનસિક ક્ષમતા-સજ્જતા પણ જરૂરી છે. ત્રણ પ્રવાસી ઉપરાંત સાથે ‘નાસા’ના પૂર્વ કમાન્ડર માઈકલ લોપેઝ પણ હશે, જેઓ એક્સિમ સ્પેસના વાઈસ પ્રેસિડેન્ટ પણ છે.
માઈકલ લોપેઝ (૬૨) - અમેરિકા
માઈકલ ‘નાસા’ના નિવૃત્ત અવકાશયાત્રી છે. તેઓ ૨૦૦૬-૨૦૦૭ દરમિયાન ૩ વખત ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના પ્રવાસે જઈ આવ્યા છે. આ તેમનો ચોથો પ્રવાસ હશે. કુલ ૨૧૫ દિવસ સ્પેસ સ્ટેશનમાં રહેવાનો તેમને અનુભવ છે. તેમને ટિકિટ લેવાની જરૂર પડી નથી કેમ કે એક્સિમ સ્પેસના તેઓ વાઈસ પ્રેસિડન્ટ છે.
લેરી કોનોર (૭૧) - અમેરિકા
લેરી ઉદ્યોગપતિ, એક્ટિવિસ્ટ, રોકાણકાર, દાનવીર એમ વિવિધ ઓળખ ધરાવે છે. ઓહિયો સ્થિત રિઅલ એસ્ટેટ ફર્મ ધ કોનોર ગ્રૂપના તેઓ સંચાલક છે. સ્પેસ ટુર વખતે તેમનો રોલ પાઈલટ તરીકેનો રહેશે કેમ કે તેઓ મુળભૂત રીતે પાઈલટ છે. શેરબજારમાં ધૂરંધર હોવા ઉપરાંત કાર રેસિંગના પણ તેઓ શોખીન છે.
માર્ક પાથી (૫૦) - કેનેડા
માર્ક કેનેડાના રોકાણકાર-ઉદ્યોગપતિ છે. માર્કને મિશન સ્પેશિયાલિસ્ટ તરીકેનો રોલ સોંપાયો છે. ટોરેન્ટો યુનિવર્સિટીમાંથી આર્ટ્સની ડિગ્રી મેળવનાર માર્ક પણ મોટા ગજાના દાનવીર છે. કેનેડાના મોન્ટ્રીઅલમાં તેઓ અનેક કંપનીનું સંચાલન કરે છે. કેનેડા દેશ તરફથી અવકાશ પ્રવાસ કરનાર તેઓ ૧૧માં નાગરિક બનશે.
ઇટેન સ્ટીબ (૬૩) - ઇઝરાયલ
ઇટેન ઇઝરાયલી એરફોર્સના અતિ સફળ અને હવે નિવૃત્ત પાઈલટ છે. તેઓ ઇઝરાયલ તરફથી સ્પેસમાં જનારા બીજા વ્યક્તિ બનશે. નિવૃત્ત થયા પછી તેમણે પોતાની સંરક્ષણ કંપની સ્થાપી અને આજે તેઓ સફળતાના શીખરે બિરાજતા ઉદ્યોગપતિ છે. તેઓ પણ આ અભિયાનમાં મિશન સ્પેશિયાલિસ્ટ તરીકે કામગીરી કરશે.

• મિશનનું નામ એએક્સ-૧ રાખવામાં આવ્યું છે અને એ માટે ‘નાસા’ સાથે કંપનીએ જોડાણ કર્યું છે. • આ મિશન જાન્યુઆરી ૨૦૨૨માં ફ્લોરિડાના કેપ કેનેવરલ સ્પેસપોર્ટથી લોન્ચ થશે. • અમેરિકન ઉદ્યોગપતિ-એન્જિનિયર ડેનિસ ટીટો ૨૦૦૧માં અવકાશમાં ગયા હતા, પણ તેમણે સ્પેસ સ્ટેશન ફરતે પ્રદક્ષિણા કરી હતી.
• ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ૪૦૦ કિલોમીટર ઉંચે ભ્રમણ કરતી પ્રયોગશાળા છે. ‘નાસા’ દ્વારા વિવિધ દેશના અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં નિયમિત આવતા-જતાં રહે છે.
• સમગ્ર પ્રવાસ ૧૦ દિવસનો હશે. આઠ દિવસ અવકાશ મથકમાં રોકાણ હશે જ્યારે બાકીનો સમય આવન-જાવનમાં જશે. એ માટે જોકે મહિનાઓ સુધી તાલીમ લેવી પડશે. • આ પ્રથમ સંપૂર્ણપણે ખાનગી અવકાશ પ્રવાસ મિશન હશે. • અવકાશ પ્રવાસ અતિ મોંઘો છે. ‘નાસા’એ ૨૦૧૯માં આપેલી વિગત પ્રમાણે સ્પેસ સ્ટેશનમાં રહેતા દરેક અવકાશયાત્રી પાછળ તેને દૈનિક ૩૫ હજાર ડોલર (૨૫ લાખ રૂપિયા) જેવો ખર્ચ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter