ઇમર્જન્સી ઇન્દિરા ગાંધીની ભૂલ હતીઃ સોનિયા ગાંધી

Wednesday 18th November 2026 05:58 EST
 
 

નવી દિલ્હીઃ દેશમાં 1975માં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ લાદેલી ઇમર્જન્સી અંગે એક મોટું નિવેદન આપતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે ઇમર્જન્સી લાદવાનો નિર્ણય એક ભૂલ હતી અને તેમનું માનવું છે કે તેમનાં સાસુ ઇન્દિરા ગાંધીને પણ પછીથી પોતાની ભૂલ સમજાઈ હતી. જો સંજય ગાંધીને અંકુશ રખાયા હોત તો ઇમર્જન્સી લાદ્યા પછી થયેલા ઘણા નુકસાનને ટાળી શકાયુ હોત.

કોંગ્રેસ સંસદીય દળનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાના આગામી પુસ્તક ‘બિલોંગિંગઃ અ જર્ની ઓફ લવ’માં લખ્યું છે કે જો સંજય ગાંધી પર અંકુશ મૂકાયો હોત તો ઇમર્જન્સી લાદ્યા પછી થયેલા ઘણા નુકસાનને ટાળી શકાયુ હોત. પોતાના સંસ્મરણો પર આધારિત આ પુસ્તકના વિમોચન પહેલાં બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયન’ને આપેલા ઇન્ટરવ્યૂમાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે મને હંમેશાં લાગે છે કે ઇન્દિરા ગાંધી લોકશાહીમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવતાં હતાં. મને ખબર છે કે ઘણા લોકો આ સાંભળીને હસશે, પરંતુ મારું માનવું છે કે તેઓ ઇમર્જન્સીના સમયગાળામાં ક્યારેય સહજ નહોતાં. આ નિર્ણય તેમના મન પર બોજ બન્યો હતો.

કોંગ્રેસનાં સૌથી લાંબા સમય સુધી અધ્યક્ષ રહેનારાં સોનિયા ગાંધીએ આ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ઇન્દિરા ગાંધી દ્વારા ઇમર્જન્સી લાદવાનો નિર્ણય ભૂલભરેલો હતો અને તેમને પણ પછીથી આ ભૂલ સમજાઈ હતી. ઇમર્જન્સી લાદવાના નિર્ણયના મુદ્દે ગાંધી પરિવારમાં પણ મતભેદ હતાં. તેમના પતિ રાજીવ ગાંધી આ નિર્ણયની વિરુદ્ધ હતાં અને તેમણે પોતાની માતાને આગામી ચૂંટણી સુધી રાહ જોવાની સલાહ આપી હતી. બીજી તરફ, નાના પુત્ર સંજય ગાંધીએ ઇમર્જન્સી લાદવાનું સમર્થન કર્યું હતું. પરિવારની ડિનર બેઠક દરમિયાન સંજયે દલીલ કરી હતી કે વિપક્ષ તેમની માતાને બરબાદ કરી દેશે અને તેમને રોકવા જરૂરી છે. આ મુદ્દે પરિવારમાં પણ તણાવ વધ્યો હતો. રાજીવ ગાંધીએ પોતાના માતા સમક્ષ તેનો વિરોધ કર્યો હતો, પરંતુ ઇન્દિરા ગાંધીએ તેમની વાત સાંભળી નહોતી. સોનિયા ગાંધીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે સંજય પર અંકુશ મૂકવામાં આવ્યો હોત તો ત્યારબાદ થયેલું ઘણું નુકસાન અટકાવી શકાયું હોત.

એક અન્ય ઇન્ટરવ્યૂમાં પણ સોનિયા ગાંધીએ ઇમર્જન્સીના મુશ્કેલ સમય અંગે કહ્યું હતું કે સમય પસાર થયા પછી ઘટનાઓને વધુ સારી રીતે સમજવાની તક મળે છે. ઇન્દિરા ગાંધીએ પણ ઇમર્જન્સી દરમિયાનના અત્યાચાર અંગે જાહેરમાં ખેદ વ્યક્ત કર્યો હતો અને માફી માગી હતી. ઇન્દિરા ગાંધીએ રાજીવ ગાંધી અને અન્ય લોકોની સલાહ માની હોત તો તે સમયના અત્યાચારને ટાળી શકાયા હોત કે નહીં તેવા સવાલના જવાબમાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે આ બધું માત્ર સંજય ગાંધીને કારણે થયું નહોતું, જોકે લોકોના મનમાં તેમનું નામ ઘણીવાર ઇમર્જન્સીનો પર્યાય બની ગયું છે. ઇન્દિરા ગાંધી પર તેમના કેટલાંક વરિષ્ઠ સાથીદારોનું પણ ભારે દબાણ હતું. રાજીવ જેવા અલગ અભિપ્રાય ધરાવતા લોકો તેમની આસપાસ બહુ ઓછા હતાં.

તેમણે વધુમાં કહ્યું હતું કે આખરે મારા સાસુએ પોતાની સમજદારીથી સ્થિતિને ઓળખી અને તેને સુધારવા માટે પગલાં લીધાં હતાં. ઇમર્જન્સી પૂરી થયા પછી જ મને ખબર પડી કે તે સમયગાળા દરમિયાન ખરેખર કેટલી ગંભીર ઘટનાઓ બની હતી. લોકશાહી અધિકારો પર કાપ મૂકવામાં આવ્યો હતો. જોકે આ બધું બંધારણીય રીતે કરવામાં આવ્યું હતું.

બાબરી ધ્વંસની ઘટના જોઈને રડી પડયાં હતાં

સોનિયા ગાંધી 1992માં બાબરી મસ્જિદ ધ્વંસની ઘટના જોઈને રડી પડયાં હતાં. તે સમયે સોનિયા ગાંધીને સમજાયું હતું કે મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને તેમના સાથીઓએ જે બિનસાંપ્રદાયિક ભારતનું નિર્માણ કરવાનો પ્રયાસ કર્યો હતો, તેને બચાવવા માટે લાંબી લડાઈ લડવી પડશે. સોનિયા ગાંધીએ સ્વીકાર્યું હતું કે ભાજપના ઉદય અને તેની કટ્ટર હિન્દુત્વની રાજનીતિના વિકાસમાં તેમની પોતાની પાર્ટીની કેટલીક નિષ્ફળતાઓ પણ જવાબદાર રહી છે. તેમણે કહ્યું હતું કે મને લાગે છે કે ઘણી બાબતોમાં અમે વધુ પડતા નિશ્ચિંત રહ્યા હતાં. અમારું વલણ કંઈક અંશે બેદરકારીભર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter