ઉજ્જડ પહાડી પર એક છોડ, ૪ સુરક્ષા જવાન, ૧૦ ફૂટ ઊંચી જાળી!

Saturday 21st March 2015 05:57 EDT
 
 

ભોપાલઃ આશરે ૧૦૦ એકરમાં ફેલાયેલી ઉજ્જડ પહાડી પર એક છોડની સુરક્ષા માટે લોખંડની દસ ફૂટ ઊંચી જાળીઓ. દિવસ રાત ચોકીપહેરા માટે ચાર હોમગાર્ડ. બાગાયત કામ માટે બે માળી. પહાડી પર પાણીની ટેન્ક. આ ટેન્કને દર બે-ત્રણ દિવસે નગરપાલિકા દ્વારા ભરવાની વ્યવસ્થા. છોડને રોગોથી બચાવવા અને દવા છાંટવા માટે કૃષિ ‌વિભાગના એક ઉચ્ચ અધિકારી દર સપ્તાહે વિઝિટ. તાલુકા અધિકારી અને કલેક્ટરની પણ દર ચાર-પાંચ દિવસે મુલાકાત. અઢી વર્ષથી આ બધી ક્વાયત ચાલુ છે. આ છોડના જતન માટે દર મહિને ૧૮થી ૨૦ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે.
ઉજ્જડ ટેકરી પર ઉભેલા એક છોડ માટે જે જહેમત ઉઠાવવામાં આવે છે તે જ દર્શાવે છે કે આ કોઇ સામાન્ય છોડ નથી. સાંચી બૌદ્ધ યુનિવર્સિટીના શિલારોપણ વખતે ૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૨ના રોજ શ્રીલંકાના તત્કાલીન રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્સેએ બોધિ વૃક્ષનો આ છોડ રોપ્યો હતો. સાંચી પાસે સલામતપુરની પહાડી પર આ છોડ છે અને બૌદ્ધ યુનિવર્સિટી અહીં બનનારી છે.
તાલુકા અધિકારી અવનિશ મિશ્ર કહે છે, ‘આ છોડ અન્ય કોઇ દેશ તરફથી મળેલી ભેટ છે તેથી તેનું મહત્વ વધી જાય છે. આમ પણ, યુનિવર્સિટીનું કામ શરૂ થતાં ચારે બાજુ બાઉન્ડ્રીવોલ બનશે ત્યારે સુરક્ષા ઘેરો દૂર થઇ જશે. સ્થાનિક લોકોમાં પણ ઝાડનું મહત્ત્વ ઘણું વધારે છે.
તત્કાલીન કલેક્ટર અને હવે કૃષિ સંચાલક મોહન લાલ મીણા જણાવે છે કે આ એ જ બોધિ વૃક્ષનો છોડ છે, જે ગયામાં છે. તેની નીચે રાજકુમાર સિદ્ધાર્થ (ગૌતમ બુદ્ધ)ને જ્ઞાન મળ્યું હતું. તેને બોધ ગયાથી શ્રીલંકા લઈ જવામાં આવ્યું છે. પછી તેને રાજપકસે સાંચી લઈને આવ્યા હોવાથી તેની વિશેષ દેખરેખ જરૂરી બની ગઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter