ઉજ્જૈનમાં ચાલુ લગ્ને વીજળી ગુલ થતાં કન્યાઓ બદલાઈ ગઈ!

Friday 20th May 2022 06:35 EDT
 
 

ઉજ્જૈન: ભારતમાં એક તરફ વીજ ઉત્પાદન માટે આવશ્યક કોલસાના પુરવઠાની તીવ્ર તંગી પ્રવર્તે છે તો બીજી તરફ કાળઝાળ ગરમીના કારણે એસી સહિતના સાધનોનો વપરાશ ખૂબ જ વધી જતાં વીજ પુરવઠાની માંગમાં જોરદાર ઉછાળો નોંધાયો છે. પરિણામે અનેક રાજ્યોમાં વીજકાપ લાગુ કરાયો છે અને ઘણા રાજ્યોમાં અચાનક વીજ પુરવઠો ખોરવાઇ રહ્યો છે. મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં પણ કંઇક આવી જ ઘટના બન્યું હતું. ઉજ્જૈનના એક ગામમાં લગ્નની વિધિ દરમિયાન અચાનક વીજ પુરવઠો ખોરવાઇ જતાં કન્યાઓની અદલાબદલી થઈ ગઈ હતી. બે બહેનોએ અંધારામાં લગ્નવિધિ કરી હોવાથી વરરાજા બદલાઈ ગયા હતા.
આ સમગ્ર ઘટના ઉજ્જૈનના અસ્લાના ગામમાં બની હતી, જ્યાં એક પરિવારની ત્રણ યુવતીઓના એક સાથે લગ્ન યોજાયા હતા. રાહુલ, ભોલા અને ગણેશ નામના ત્રણ યુવકો જાન લઈને આ ગામમાં લગ્ન માટે આવ્યા હતા. એક જ મંડપ નીચે ફેરા ફરવાની વિધિ ચાલી રહી હતી. એવામાં નિકિતા અને કરિશ્મા જ્યારે એક વિધિ માટે એક રૂમમાં ગઈ ત્યારે અચાનક વીજળી ગુલ થઈ ગઈ હતી.
બંને યુવતીઓનો ચહેરો ઢાંકેલો હતો અને પૂરતું અજવાળું પણ ન હોવાથી કોઈને ખ્યાલ ન આવ્યો કે યુવતીઓની અદલાબદલી થઈ ગઈ છે. પરિણામે બદલાયેલા વરરાજાની સાથે કેટલીક વિધિ થઈ ગઈ હતી. જોકે, બાદમાં વીજળી આવી ત્યારે પરિવારના સભ્યોને ખ્યાલ આવી ગયો હતો કે આ તો ગરબડ ગોટાળો થઇ ગયો છે. આ પછી વિધિને અટકાવી દેવાઈ હતી. બાદમાં કન્યાઓને તેમના અસલી મનના માણિગર સાથે બેસાડવામાં આવી હતી, અને ગોરમહારાજે પણ વરરાજાની સાથે આ લગ્નવિધિ સંપન્ન કરાવી હતી. આ સમગ્ર ઘટનાક્રમ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter