એક આનંદ ચૌકસેને બનવા કે હસીં તાજમહેલ, સારી દુનિયા કો મોહબ્બત કી નિશાની દી હૈ...

Sunday 28th November 2021 06:30 EST
 
 

ભોપાલ: શહેનશાહ અકબરે બેગમ મુમતાઝ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા આગ્રામાં તાજમહેલ બનાવ્યો હતો તો મધ્ય પ્રદેશના આનંદ ચૌકસેએ તેમના જીવનસાથી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા બુરહાનપુરમાં અદ્દલ તાજમહેલ જેવું ઘર બનાવીને ગિફ્ટ આપ્યું છે. તાજમહેલ જેવા જ દેખાતા આ આલિશાન ઘરમાં ચાર બેડરૂમ, રસોડું, લાઇબ્રેરી અને મેડિટેશન રૂમ છે. તો અસલી તાજમહેલની જેમ મીનારા પણ છે. આ ઘરને બનતાં ૩ વર્ષ લાગી ગયાં છે, પણ આનંદ ચૌકસે ખુશખુશ છે.
ઘરનું ફ્લોરિંગ રાજસ્થાનના મકરાણા માર્બલથી થયું છે તો ફર્નિચર મુંબઇના કારીગરો દ્વારા તૈયાર કરાયું છે. એટલું જ નહીં આ ઘરની અંદર અને બહાર એ પ્રકારે લાઇટિંગ કરાયું છે કે રાત્રિના અંધારામાં પણ ઘર અસલી તાજમહેલ જેમ જ ઝળહળતું જોવા મળે છે.
હકીકતમાં, બુરહાનપુરના રહેવાસી આનંદ ચૌકસેને હંમેશા એક વાતનો ખટકો રહેતો હતો કે વિશ્વભરમાં પ્રેમની નિશાની તરીકે પ્રસિદ્ધ તાજમહેલ તેમના શહેર બુરહાનપુરમાં કેમ નથી. તમને જણાવી દઇએ કે, મુગલ ઇતિહાસમાં પણ આ વાતનો ઉલ્લેખ છે. શાહજહાંની બેગમ મુમતાઝનું મોત બુરહાનપુરમાં થયું હતું અને શાહજહાંએ તાજમહેલના નિર્માણ માટે તાપ્તી નદીના કિનારાને પસંદ કર્યો હતો. જોકે, બાદમાં શહેનશાહે તેમનો નિર્ણય બદલીને આગરામાં તાજમહેલ બનાવડાવ્યો હતો. હવે આનંદ ચૌકસેએ બુરહાનપુરમાં તાજમહેલ જેવી ભવ્ય ઇમારતનું નિર્માણ કરીને પોતાનો ખટકો તો દૂર કર્યો જ છે સાથોસાથ પત્ની પ્રત્યેનો પ્રેમ પણ વ્યક્ત કર્યો છે. તાજમહેલ જેવું ઘર બનાવનાર એન્જિનિયરનું કહેવું છે કે, તાજમહેલ જેવાં ઘરના નિર્માણમાં અનેક અડચણો આવી, પરંતુ અમે તેને ઓળંગીને નિર્માણ સાકાર કર્યું છે. આ ઘરમાં ડોમ ૨૯ ફૂટ ઉંચો છે, જેમાં એક મોટો હોલ, ૨ બેડરૂમ નીચે, ૨ બેડરૂમ ઉપર છે. નકશીકામ માટે બંગાળ અને ઇન્દોરના કલાકારોની મદદ લેવામાં આવી. આ ઘરને શ્રેષ્ઠ નિર્માણનો એવોર્ડ પણ મળી ચૂકયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter