સુમાત્રાઃ ઇન્ડોનેશિયાના ઉત્તર સુમાત્રાના એક ગામમાં રહેતો મનુરુંગ પરિવાર છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પરિવારના છમાંથી ચાર ભાઈ-બહેનો ‘ટ્રેચર કોલિન્સ સિન્ડ્રોમ' નામની દુર્લભ આનુવંશિક બીમારી સાથે જન્મેલા છે, જેના કારણે તેમના ચહેરાની બનાવટ સામાન્ય લોકો કરતા અલગ છે.
સ્થાનિક લોકો અંધશ્રદ્ધાને કારણે તેમને ‘ગરોળી જેવો ચહેરો’ ધરાવતો અથવા ‘શાપિત’ પરિવાર કહીને તેમનો બહિષ્કાર કરતા હતા. જોકે, આ પરિવારે પણ સંજોગો સામે હાર માનવાને બદલે ટિકટોક અને યુટ્યુબ જેવા માધ્યમો દ્વારા પોતાનું જીવન દુનિયા સામે મૂક્યું. આજે તેમના લાખો ફોલોઅર્સ છે. મનુરુંગ પરિવારે સાબિત કર્યું છે કે શારીરિક દેખાવ ગમે તેવો હોય, આત્મવિશ્વાસ અને સ્વીકાર દ્વારા સામાજિક કલંકને પણ પ્રેરણામાં બદલી શકાય છે. હવે તેઓ આ બીમારી પ્રત્યે વૈશ્વિક સ્તરે જાગૃતિ ફેલાવી રહ્યા છે.
પરિવારના સભ્ય સરીફ મનુરુંગે સૌપ્રથમ ટિકટોક પર વીડિયો શેર કરવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં અનેક નકારાત્મક કોમેન્ટ્સ અને મજાકનો સામનો કરવો પડ્યો, પરંતુ ધીરે ધીરે લોકોની નજર તેમના દેખાવથી હટીને તેમના આત્મવિશ્વાસ પર પડી. તેઓ વીડિયોમાં ડાન્સ કરે છે, મજાક-મસ્તી કરે છે અને તેમનું સામાન્ય જીવન જીવતા દેખાય છે. આજે આ પરિવારના લાખો ફોલોઅર્સ છે, અને લોકો તેમની સાથે સેલ્ફી પડાવવા પડાપડી કરે છે.


