બેઈજિંગઃ પળે પળે બદલાઇ રહેલી ટેકનોલોજીની આ દુનિયામાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. ચીની કંપનીના સ્ટારવન નામના હ્યુમનોઇડ રોબોટે સતત 106.286 કિલોમીટર અંતર પગપાળા કાપીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે. એક સમય હતો જ્યારે રોબોટ્સ માટે સીધા ઊભા રહેવાનું પણ પડકારજનક હતું, ત્યાં આ રોબોટે ફૂટપાથ અને સામાન્ય રસ્તાઓ પર માણસની જેમ ચાલીને - અને તે પણ 106 કિલોમીટર જેવું લાંબુ અંતર કાપીને - સૌને ચોંકાવી દીધા છે.
ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં આ રોબોટ અદભૂત સંતુલન સાથે ચાલતો જોવા મળે છે. વૈજ્ઞાનિકોની આ સિદ્ધિ એ વાતનો પુરાવો છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અને હાર્ડવેર હવે તે સ્તરે પહોંચી ગયા છે જ્યાં મશીનો માણસો જેવી શારીરિક ક્ષમતા કેળવી રહ્યા છે. નિષ્ણાતોના મતે, આ સફળતા ભવિષ્યમાં વસ્તુઓની ડિલિવરીમાં અને રેસ્ક્યુ ઓપરેશન્સમાં ધરમૂળથી ક્રાંતિ લાવશે.


