ઇથન અગરવાલ કેલિફોર્નિયાના ગવર્નરપદની રેસમાં ઝંપલાવશે
સિલિકોન વેલીઃ અમેરિકાની સિલિકોન વેલીના ઉદ્યોગ સાહસિક ઓડિયો ફિટનેસ એપ એપ્ટિવ અને ફિનટેક પ્લેટફોર્મ કોટરીના સ્થાપક ઇથન અગરવાલે કેલિફોર્નિયાના ગવર્નરપદની રેસમાં જોડાવાની જાહેરાત કરી છે. ડેમોક્રેટિક પાર્ટીની રેસમાં જોડાનાર અગરવાલે જણાવ્યું હતું કે, કદાચને મારી સરખામણી ન્યૂયોર્કના મેયરપદના ઉમેદવાર જોહરાન મમદાની સાથે થઇ શકે છે. અમે બંને કેટલીક બાબતમાં સામ્યતા ધરાવીએ છીએ. જોકે હું મૂડીવાદનો કટ્ટર સમર્થક છું. કેલિફોર્નિયા સમસ્યાઓના ઉકેલ માટે બિઝનેસ અને ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે.
-----------------------------------------------------------------------------------------------------------------
કેનેડામાં 27 ઓગસ્ટ ભારતીય મૂળના પોલીસ ચીફના માનમાં ડેલ માનક ડે તરીકે ઉજવાશે
વાનકુંવરઃ કેનેડાના વાનકુંવર પોલીસ ડિપાર્ટમેન્ટમાં વિક્ટોરિયા પોલીસ ચીફ તરીકે 35 વર્ષની સેવા બાદ 27 ઓગસ્ટે ડેલ માનક નિવૃત્તિ થયા હતા. ડેલ માનક કેનેડામાં પોલીસ ચીફ બનનારા પ્રથમ ભારતીય મૂળના વ્યક્તિ હતા. વિક્ટોરિયા સિટીએ તેમની સેવાઓને ધ્યાનમાં લેતાં 27 ઓગસ્ટને ડેલ માનક ડે તરીકે જાહેર કર્યો છે. ડેલ માનકે 1990માં વાનકુંવર પોલીસ ડિપાર્ટમેન્ટમાં સેવા શરૂ કરી હતી. 2017માં તેમને વિક્ટોરિયા સિટીના પોલીસ ચીફ નિયુક્ત કરાયા હતા. માનકે જણાવ્યું હતું કે, પોલીસ તરીકેની કારકિર્દી સરળ નહોતી. આકરી મહેનત અને સંઘર્ષ બાદ હું આ મુકામ પર પહોંચ્યો હતો.
----------------------------------------------------------------------------------------------------------------
અપહરણના ખોટા આરોપ મૂકનાર જ્યોર્જિયા પોલીસ માફી માગેઃ મહેન્દ્ર પટેલ
જ્યોર્જિયાઃ અમેરિકાના જ્યોર્જિયામાં બાળકના અપહરણના ખોટા આરોપ અંતર્ગત 47 દિવસ જેલમાં વીતાવનાર ગુજરાતી મૂળના 62 વર્ષીય મહેન્દ્ર પટેલે પોલીસ પાસે જાહેર માફીની માગ કરી છે. માર્ચ 2025માં વોલમાર્ટ ખાતે એક મહિલાએ મહેન્દ્ર પટેલ વિરુદ્ધ ફરિયાદ કરી હતી કે તેઓ મહિલાના બાળકનું અપહરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ સીસીટીવી ફૂટેજના આધારે જાણવા મળ્યું હતું કે, મહેન્દ્ર પટેલ બાળકને મોબિલિટી સ્કૂટરમાંથી નીચે પડી જતું અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ ઘટના મારા માટે ભયાનક યાતના પૂરવાર થઇ હતી. મારી જીવનભરની પ્રતિષ્ઠા ધોવાઇ ગઇ હતી. જેલમાં પણ મારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મને દિવસો સુધી દવાઓ અપાતી નહોતી અને શાકાહારી હોવાથી માકે ફક્ત બ્રેડ બટર ખાઇને ગુજારો કરવો પડતો હતો.
----------------------------------------------------------------------------------------------------------------
લોસ એન્જલસમાં જાહેરમાં ફરસો વીંઝી રહેલા શીખ યુવકને પોલીસે ઠાર માર્યો
લોસ એન્જલસઃ અમેરિકાના લોસ એન્જલસમાં જાહેરમાં ફરસા સાથે શીખ માર્શલ આર્ટ ગટકાનું પ્રદર્શન કરી રહેલા 35 વર્ષીય શીખને પોલીસે ગોળી મારી દીધી હતી. આ ઘટના 13 જુલાઇની છે અને લોસ એન્જલસ પોલીસ દ્વારા તેનો વીડિયો જોરી કરવામાં આવ્યો છે. ગુરપ્રીતસિંહ નામનો આ શીખ યુવક ફિગરોઆ સ્ટ્રીટ અને ઓલિમ્પિક બુલેવર્ડના ચાર રસ્તા પર જાહેરમાં ફરસો વીંઝી રહ્યો હતો ત્યારે ઘણા લોકોએ 911ને આ અંગે ફરિયાદ કરી હતી. પોલીસે તેને વારંવાર ચેતવણી આપી છતાં તેણે ફરસો વીંઝવાનું જારી રાખતા તેને ગોળી મારી દેવાઇ હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
----------------------------------------------------------------------------------------------------------------
માઇક્રોસોફ્ટની ઓફિસમાં ભારતીય ઇજનેર મૃત મળી આવ્યો
સિલિકોન વેલીઃ સિલિકોન વેલીમાં માઇક્રોસોફ્ટમાં ઇજનેર તરીકે કામ કરતો ભારતીય મૂળનો પ્રતીક પાંડે 20 ઓગસ્ટના રોજ ઓફિસમાં જ મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રતીક આગલી સાંજે ઓફિસ બિલ્ડિંગમાં ગયો હતો અને બીજા દિવસે વહેલી સવારે મૃત મળ્યો હતો. પ્રતીક માઇક્રોસોફ્ટ ફેબ્રિક પર કામ કરતો હતો. આ પહેલાં તેણે વોલમાર્ટ અને એપલ કંપનીઓમાં કામ કર્યું હતું.
-------------------------------------------------------------------------------------------------------------
ફ્લાઇટમાં સગીરાનું શોષણઃ સ્વિત્ઝર્લેન્ડ ભારતીયને દેશનિકાલ કરશે
ઝુરિચઃ મુંબઇથી સ્વિત્ઝર્લેન્ડના ઝુરિચ જતી ફ્લાઇટમાં 15 વર્ષીય સગીરા પર બળાત્કાર કરનાર ભારતીય મૂળના ઉદ્યોગપતિને દેશનિકાલ કરાશે. તેણે અદાલતમાં ગુનો કબૂલી લેતાં દોઢ વર્ષની સસ્પેન્ડેડ કેદની સજા કરાઇ હતી. જેલમાંથી મુક્ત થતાં હવે તેને દેશનિકાલ કરાશે. સરકારી વકીલના જણાવ્યા અનુસાર ફ્લાઇટ દરમિયાન સગીરા આરોપીની બાજુની સીટમાં હતી અને થોડો સમય વાતો કર્યા પછી સૂઇ ગઇ હતી જે દરમિયાન આરોપીએ સગીરાનું જાતીય શોષણ કર્યું હતું.
-----------------------------------------------------------------------------------------------------------------
સાઉદી અરબમાં હૈદરાબાદની મહિલાએ 3 સંતાનોને બાથટબમાં ડૂબાડી આત્મહત્યાનો પ્રયાસ કર્યો
રિયાધઃ સાઉદી અરબના અલ ખોબર શહેરમાં ભારતના હૈદરાબાદની એક મહિલાએ તેના ત્રણ સંતાનોની બાથ ટબમાં ડૂબાડી હત્યા કર્યા બાદ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સઇદા હુમેરા આમરીન નામની આ મહિલા હૈદરાબાદના મોહમ્મદી લાઇન્સ વિસ્તારની મૂળ વતની હતી. મૃતકોમાં 7 વર્ષીય બે જોડિયા પુત્ર અને 3 વર્ષીય પુત્ર યુસુફ એહમદનો સમાવેશ થાય છે. સઇદાના પિતા ઘેર આવ્યા ત્યારે તેમને મૃત બાળકો મળી આવ્યા હતા. પોલીસે સઇદાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
-----------------------------------------------------------------------------------------------------------------
સિંગાપોરમાં પ્રોફેસરને કચડી નાખનાર ભારતીય લોરી ડ્રાઇવરને બે વર્ષની કેદ
સિંગાપોરઃ 2023માં નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરના પ્રોફેસરનું માર્ગ અકસ્માતમાં મોત નિપજાવનાર ભારતીય નાગરિક નટરાજન મોહનરાજને બે વર્ષ એક મહિનાની કેદ અને 2000 સિંગાપોરિયન ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. 7 જુલાઇ 2023ના રોજ કન્સ્ટ્રક્શન વર્કર નટરાજન લોરી ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યો હતો તેના કારણે તેની લોરી પ્રોફેસર ટેન યોક લિનની કાર સાથે ટકરાઇ હતી. નટરાજન બેદરકારીથી વાહન ચલાવવાનો ઇતિહાસ ધરાવતો હતો અને જૂન 2023માં જ પોલીસે તેને લાયસન્સ સરેન્ડર કરવા નોટિસ આપી હતી. આ સમય પૂરો થાય તેના બેસપ્તાહ પહેલાં જ તેણે અકસ્માત સર્જી દીધો હતો.