એન્ટિવેનોમ વીરલોઃ ટિમોથીએ 200થી વધુ વખત ઝેરી સાપના ડંખ લીધા છે

Wednesday 23rd September 2026 09:10 EDT
 
 

વિસ્કોન્સિનઃ મોટા ભાગના સાપ બિનઝેરી હોય છે, પરંતુ સાપ કરડ્યાનું નામ સાંભળતા કે જોતા જ ડરનું ઝેર ચડવા લાગે છે અને માણસ મરી પણ જાય છે. જોકે, યુએસના વિસ્કોન્સિનનો એક વીરલો એવો છે જે સામે ચાલીને પાતાને સાપ કરડાવે છે અને તે પણ ઝેરી સાપ. સાપના ઝેરમાંથી જ ઝેરના મારણ તરીકેની રસી તૈયાર કરવામાં આવે છે અને ઔપચારિક વૈજ્ઞાનિક તાલીમ નહિ ધરાવવા છતાં, 58 વર્ષીય વિન્ડો ક્લીનર ટિમોથી ફ્રિએડેએ આવી યુનિવર્સલ એન્ટિવેનોમ રસી બનાવવામાં પોતાને સમર્પિત કરેલ છે. તેણે પોતાના શરીર પર 202 વખત સાપના ડંખ લીધા છે જેના પરિણામે, તેનું શરીર મોટા ભાગના ઝેર સામે પ્રતિકાર કરી શક્યું છે. લોકો તેને પાગલ કહે છે અને અટકાવવાનો પણ પ્રયાસ કરે છે. તે હાલ ગ્લેનવિલેની બાયોટેકનોલોજી કંપની સેન્ટિવેક્સ સાથે કામ કરે છે.
ટિમોથી ફ્રિએડે ઘોડાને પણ મારી નાખે તેવા ઝેરીલા સાપના ડંખ સહન કર્યા છે. ગયા વર્ષે થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ફ્રિએડેના લોહીમાં તૈયાર થયેલા એન્ટિબોડીઝ કોબ્રા, મામ્બા, ટાઈપાન, કોરલ સ્નેક્સ અને ક્રેઈટ્સ સહિત તમામ ઝેરીલા સાપના જૂથ એલિપાડ ફેમિલીમાંથી 19 સાપના ટોક્સિન્સને બેઅસર શકે છે. આ એન્ટિવેનોમનો માણસો પર પ્રયોગ કરાય તે પહેલા આ વર્ષે જ ઓસ્ટ્રેલિયામાં પાલતુ પ્રાણીઓ પર ટ્રાયલ કરાવાની છે. ઉલ્લેખનીય છે કે ટાઈપનના એક વખતના ડંખમાં જેટલું ઝેર હોય છે તે 100થી વધુ માણસને મારી નાખવા પૂરતું ગણાય છે.
ફ્રિએડે પાંચ વર્ષનો હતો ત્યારે તેને ગાર્ટર સ્નેક કરડ્યો હતો. તેણે 2001ના વર્ષથી વિવિધ સાપના ઝેર સામે ઈમ્યુનિટી મેળવવા ઝેર અને સેલાઈનના નાના પ્રમાણમાં મિશ્રણ કરી સેંકડો વખત પોતાની જાતને ઈન્જેક્ટ કરવાનું શરૂ કર્યું અને તે પછી તે સાપને હાથ અને આંગળીઓ પર કરડાવતો હતો. ફ્રિએડેએ 2001માં વિશ્વમાં સૌથી ઝેરીલા બે સાપ, મોનોક્લેડ કોબ્રા અને તે પછી ઈજિપ્શિયન કોબ્રાને પોતાને કરડાવ્યા હતા અને તેપછી, ઘણા દિવસ સુધી તે બેભાન રહ્યો હતો, પરંતુ તેણે ઝેરનું મિશ્રણ ઈન્જેક્ટ કરેલું હોવાથી બચી ગયો. સાપના કરડવાથી તેની એક આંગળી કાળી પડી ગઈ છે અને લગભગ કપાવવી પડે તેવી હાલત થઈ હતી.
ફ્રિએડે કહે છે કે સાપ કરડે એટલે ભમરીએ ડંખ માર્યાની વેદના થાય, પરંતુ તે 1000 ગણી વેદના હોય છે અને તમે કશું કરી શકતા નથી. એક સમયે વિસ્કોન્સિનના ટુ રિવર્સ શહેરમાં આવેલા તેના ઘરના બેઝમેન્ટમાં 60 સાપ પાળેલા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter