એમેઝોનના જંગલોમાંથી પ્રગટ્યા તીર-કામઠાં સાથે આદિવાસીઓ!

Wednesday 25th March 2026 06:00 EDT
 
 

વોશિંગ્ટનઃ એમેઝોનની એક એવી આદિજાતિનો વીડિયો સામે આવ્યો છે, જેણે અત્યાર સુધી બહારની દુનિયા સાથે કોઈ સંપર્ક રાખ્યો નથી. આ વીડિયો અમેરિકન સંરક્ષણવાદી પોલ રોસોલીએ તાજેતરમાં પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેના ઈન્ટરવ્યુ દરમિયાન આ વીડિયો જાહેર કર્યો છે. અત્યાર સુધી આવી આદિજાતિઓના જે કોઈ વીડિયો કે ફોટા મળ્યા છે, તે સામાન્ય રીતે સેંકડો મીટર દૂરથી લેવાયેલા અને ખૂબ જ ધૂંધળા હતા. જોકે રોસોલીએ જાહેર કરેલો વીડિયો હાઇ-ડેફિનેશન (એચડી) છે, જેમાં આદિવાસીઓના ચહેરા અને હાવભાવ સ્પષ્ટ જોઈ શકાય છે. વીડિયોમાં આદિવાસીઓ નદીના કિનારે પતંગિયાઓના એક મોટા ઝુંડ વચ્ચેથી બહાર આવતા જોઈ શકાય છે, જે કોઈ ફિલ્મી દ્રશ્ય જેવું લાગે છે. આ આદિજાતિ સભ્યો માશ્કો પીરો સમુદાયના છે. આ અગાઉ પણ તેમના કેટલાંક ફોટો બહાર આવ્યા હતા.
નિષ્ણાતોના મતે, દુનિયાની નજરથી અલિપ્ત રહેલી આ આદિજાતિનું ખુલ્લામાં આવવું ચિંતાનો વિષય છે. આ સમુદાયને ખાણકામ અને આડેધડ વૃક્ષોના છેદનથી જ ખોરાકની શોધમાં અને આશ્રય માટે જંગલમાંથી બહાર આવવું પડ્યું છે. માત્ર હિંસા જ નહીં, પરંતુ બહારની દુનિયાના વાઈરસ અને બીમારીઓ (જેમ કે સામાન્ય શરદી) પણ તેમના માટે મોતનું કારણ બની શકે છે, કારણ કે તેમની પાસે રોગપ્રતિકારક શક્તિ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter