કબ્રસ્તાનમાંથી મળી 50 લાખ મધમાખી, વિશ્વની સૌથી મોટી વસાહત!

Sunday 28th June 2026 07:16 EDT
 
 

ન્યૂયોર્કઃ સ્ટેટના ઇથાકા શહેરમાં આવેલા ઈસ્ટ લોન સિમેટ્રી નામના કબ્રસ્તાનમાં વિજ્ઞાનીઓએ કુદરતની એક અદભૂત અને ઐતિહાસિક અજાયબી શોધી કાઢી છે. એક સંશોધન મુજબ, આ શાંત કબ્રસ્તાનની જમીન નીચે અંદાજે 5.56 મિલિયન (55.6 લાખ) મધમાખી વસવાટ કરી રહી છે. આ વસાહત વિશ્વની અત્યાર સુધીની સૌથી મોટી નોંધાયેલી વસાહતોમાંની એક છે.

કોર્નેલ યુનિવર્સિટીના સંશોધકોએ કરેલો આ અભ્યાસ ‘એપિડોલોજી’ જર્નલમાં પ્રકાશિત થયો છે. આ સંશોશોધની શરૂઆત 2022માં થઈ હતી, જ્યારે એક ટેક્નિશિયને કબ્રસ્તાનમાં અસાધારણ સંખ્યામાં મધમાખીઓ ઉડતી જોઈ હતી. ત્યારબાદ પ્રોફેસર બ્રાયન ડેનફોર્થ અને તેમની ટીમે 2023માં 6,500 ચોરસ મીટરના વિસ્તારમાં જાળ બિછાવીને ગણતરી કરી હતી, જેના પરિણામે લાખોની સંખ્યામાં મધમાખીઓ હોવાનું બહાર આવ્યું. આ મધમાખીઓ ‘એન્ડ્રેના રેગ્યુલરિસ’ અથવા ‘માઈનિંગ બી’ તરીકે ઓળખાય છે.
ખેતી માટે આશીર્વાદરૂપ પ્રજાતિ
રેકોર્ડ મુજબ, આ કબ્રસ્તાનમાં 1935થી મધમાખીની આ પ્રજાતિનો વસવાટ છે, પરંતુ તેમની સંખ્યા આટલી પ્રચંડ હશે તેની કલ્પના કોઇને નહોતી. પ્રોફેસર ડેનફોર્થના જણાવ્યા અનુસાર, આ મધમાખીઓ ખેતી અને વનસ્પતિ માટે અત્યંત મહત્ત્વની છે કારણ કે તે ઉત્તમ ‘પોલિનેટર્સ’ (પરાગનયન કરનાર) છે. ખાસ કરીને સફરજનની ખેતી માટે આ મધમાખીઓ આશીર્વાદરૂપ છે. સામાન્ય રીતે એક હેક્ટરમાં મધમાખીઓની 2થી 3 વસાહતો હોય છે, જેની સરખામણીએ આ કબ્રસ્તાનમાં જોવા મળેલી સંખ્યા અસાધારણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter