કેરળની કરુમ્બી નામની બકરીએ ગિનેસ બુકમાં દુનિયાની સૌથી ઠીંગણી બકરી તરીકે સ્થાન મળ્યું છે. કરુમ્બીની ઉંચાઈ 15 ઈંચ એટલે કે માત્ર સવા ફૂટ છે. ચાર વર્ષની કરુમ્બીનો માલિક પીટર લેનુ નામનો ખેડૂત છે. લેનુના ફાર્મમાં 23 બકરીઓ છે પણ કરુમ્બી તેમાં ખાસ છે. સામાન્ય રીતે બકરીની ઉંચાઈ બે ફૂટથી વધારે હોય છે પણ 2021માં જન્મેલી કરુમ્બી તો બકરીનાં બચ્ચાં કરતાં પણ નાની લાગે છે. કાળા રંગની કરુમ્બી કેનેડાઈ પિગ્મી નસલની બકરી છે.
લેનુને કરુમ્બી ખાસ છે તેની ખબર હતી પણ તેના કારણે તેને ચોમેર પ્રસિદ્ધિ મળશે એ ખબર નહોતી. તેમના ઘરે આવેલા એક મહેમાને લેનુને ગિનેસ બુકના સત્તાવાળાઓનો સંપર્ક કરવા કહ્યું પછી લેનુને આ વાતનો અહેસાસ થયો. કરુમ્બીનું બચ્ચુ પણ એકદમ નાનું છે એ જોતાં કરૂમ્બીનાં જનિન બીજી બકરીઓથી અલગ છે એ સ્પષ્ટ છે. લેનુએ આ ખાસ બકરીની પ્રજાતિને સાચવવાનું નક્કી કર્યું છે તેથી કરુમ્બીના પરિવારમાંથી કોઈને પણ નહીં વેચવાનો તેણે નિર્ણય કર્યો છે.