કરોળિયાઓની કો-ઓપરેટિવ સોસાયટી!

1.11 લાખ કરોળિયા ગુફામાં હળીમળીને રહે છેઃ વિશ્વનું સૌથી મોટું કરોળિયાનું જાળું મળ્યું

Wednesday 19th November 2025 06:10 EST
 
 

કુદરતની અજીબોગરીબ ઘટનાઓ માનવજાત માટે પ્રેરણાદાયક બની શકે છે. આવી જ ઘટના બની છે આલ્બેનિયા અને ગ્રીસ વચ્ચે આવેલી એક ગુફામાં. ફોડ પાડીને કહીએ તો 106 ચોરસ મીટરની આ વિશાળ ગુફામાં એક સાથે 1.11 લાખ કરોળિયા સાથે મળીને વસવાટ કરે છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં રહેતા કરોળિયાનું જાળું વિશ્વનું સૌથી મોટું છે. અત્યાર સુધીમાં કરોળિયાનું આટલું મહાકાય જાળું દુનિયાના કોઇ જ દેશમાં જોવા નથી મળ્યું. ન માની શકાય તેવી બાબત તો એ છે કે આટલા બધા કરોળિયા એક મહાવિશાળ કુટુંબની જેમ હળીમળીને અને સંપથી રહે છે.
ન માની શકાય તેવી બાબત તો એ છે કે આ ગુફામાં સલ્ફર, એસિડ, ટોક્સિકની વરાળનું વાતાવરણ છે. એમ કહો કે આવા અતિ જલદ અને ઝેરી વાતાવરણમાં કોઇ જીવ ભલા કઇ રીતે રહી કે જીવી શકે? આમ છતાં આ ગુફામાં વિશિષ્ટ પ્રજાતિના કરોળિયા આટલી વિશાળ સંખ્યામાં જીવી શકે છે. એક સાથે સંપથી રહી પણ શકે છે. વિજ્ઞાનીઓ માટે આ ઘટના જબરા કોયડા સમાન છે. વિશિષ્ટ સંશોધનનો વિષય છે.
આ વિશિષ્ટ પ્રકારની શોધ સેપિએન્શિયા હંગેરિયન યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ કરી છે. વિજ્ઞાનીઓના કહેવા મુજબ આ વિશાળ ગુફામાં તેજેનેરિયા ડોમેસ્ટિકા અને પ્રાઇનેરીગોન વેગાન્સ એમ બે વિવિધ પ્રજાતિના કરોળિયા વસે છે. આમ તો એવું કહેવાય છે કે કરોળિયા તેની જાતિ-પ્રજાતિ અનુસાર જુદા જુદા વિસ્તારમાં રહેતા હોય છે. જોકે આ ગુફામાં તો એક સાથે 1,11,000 કરોળિયા એક સાથે શાંતિથી અને સહકારથી રહે છે.
આ વિશિષ્ટ પ્રજાતિનાં જંતુઓ ક્યારેય પણ એકબીજા સાથે નથી લડતા કે નથી કંકાસ કરતાં. શિકાર પણ તેઓ બધા ભેગાં મળીને કરે છે. આટલા બધા કરોળિયા પોતાના વિશાળ ઘરરૂપી જાળાની સારસંભાળ પણ બહુ સારી રીતે કરે છે. જાણે કે કોઇ માનવી પોતાના ઘરની દેખરેખ બરાબર રાખતો હોય તેવું દ્દૃશ્ય સર્જાય છે. આટલા બધા કરોળિયા જાણે કે સહઅસ્તિત્વનું ઉત્તમ ઉદાહરણ છે.
વાત જાણે કે એમ છે કે વિજ્ઞાનીઓ 2022માં વ્રોમોનેર કેન્યન નામના વિસ્તારમાં ગયા હતા. આ વિસ્તારમાં અસંખ્ય ગુફાઓ છે. વિજ્ઞાનીઓએ આવી જ એક ગુફામાં અજીબોગરીબ દૃશ્ય જોયું. તે દૃશ્ય હતું એક સાથે રહેતા 1.11 લાખ કરોળિયાનું. આવું દૃશ્ય જોઇને વિજ્ઞાનીઓ સ્તબ્ધ બની ગયા હતા.
જોકે વધુ સચોટ સંશોધન માટે સેપિએન્શિયા હંગેરિયન યુનિવર્સિટીના વિજ્ઞાનીઓ 2024માં અમુક નિષ્ણાત અને બહોળો અનુભવ ધરાવતા જીવ વિજ્ઞાનીઓને સાથે લઇને એ જ સ્થળે ફરીથી ગયા. 2024ની મુલાકાત દરમિયાન બધા વિજ્ઞાનીઓને ખ્યાલ આવ્યો કે આ ગુફામાં તો કરોળિયા છે અને તેઓ અતિ વિશાળ જાળામાં ભેળા મળીને રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter