બેંગલૂરુ: કર્ણાટકમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિ એકાદ-બે નહીં પણ 30-30 વર્ષથી ઓઈલ પીને જીવે છે. તેના કારણ લોકોએ તેને ‘ઓઇલ કુમાર’નું ઉપનામ પણ આપ્યું છે. આ અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વ્યક્તિ દરરોજે સામાન્ય માનવીની જેમ દાળભાત, શાકરોટલી ખાતો નથી, પરંતુ ઓઈલ પીને જીવન વ્યતીત કરે છે. આ વ્યક્તિ એન્જિન ઓઈલ પીને જીવે છે.
સોશિયલ મીડિયા પર આ વ્યક્તિનો વીડિયો વાઇરલ પણ થયો છે. તેના કારણે હવે ખબર પડી કે આવું તે આજકાલથી નહીં, 30 વર્ષથી કરી રહ્યો છે. સોશિયલ મીડિયાની પોસ્ટ મુજબ કર્ણાટકના શિવમોગા જિલ્લામાં રહેતા આ શખ્સને આ વિસ્તારના લોકો ‘ઓઇલ કુમાર’ના નામથી બોલાવે છે. તે દરરોજ સાતથી લિટર એન્જિન ઓઈલ પીને જીવે છે. આ સિવાય તે નિયમિત રીતે ચા પીવે છે. સોશિયલ મીડિયાની પોસ્ટ મુજબ દાયકાઓથી ઓઇલ પીવા છતાં ‘ઓઇલ કુમાર’ ક્યારેય હોસ્પિટલ જવું પડયું નથી અને ક્યારેય કોઈ આરોગ્યલક્ષી તકલીફનો સામનો કરવો પડ્યો નથી. ‘ઓઇલ કુમાર’નું માનવું છે કે તેનું આ પ્રકારનું જીવન ભગવાન અયપ્પાના આશીર્વાદથી છે. જો આમ ન હોત તો ઇશ્વરીય મદદ વગર આટલા અસામાન્ય આહારના આધારે કોઈનું પણ જીવિત રહેવું શક્ય નથી.
અહીં તે વાત ઉલ્લેખનીય છે કે એન્જિન ઓઈલ કોઈપણ રીતે માનવીના આહારને અનુકૂળ છે જ નહીં. તે એન્જિનમાં ઉપયોગમાં લેવાતું ઓઇલ છે. તે માનવ શરીર માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ‘ઓઇલ કુમાર’ને કેવી રીતે તેની ટેવ પડી તે કોઈ જાણતું નથી, પરંતુ સામાન્ય માનવીએ તેનાથી દૂર રહેવું જોઈએ.