લંડનઃ આજના ડિજટલ યુગનો સૌથી મોટો પડકાર તમારા જે તે ડેટાને ખૂબ જ લાંબા ગાળા માટે સાચવી રાખવનો છે. અને આ માટે હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઈવ, મેગ્નેટિક ટેપ, મેમરી કાર્ડ કે સીડી-વીસીડીનો આપણે ઉપયોગ કરતા રહ્યા છીએ. જોકે સાધનો સમયના વહેવા સાથે, ટેક્નોલોજીના અપગ્રેડ થવા સાથે થોડાક વર્ષ પછી આઉટડેટેડ થઇ જતા હોવાનું આપણે સહુએ જાણીએ છીએ. અને આમાં પણ આ સાધન ગમેત્યારે કરપ્ટ થઇ જવાનું જોખમ તો ખરું જ. જોકે હવે ડેટા સ્ટોરેજને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવાની સમસ્યાનો ઉકેલ મળી ગયો હોય તેવું લાગે છે.
બ્રિટનમાં કેમ્બ્રિજસ્થિત એક આઇટી કંપનીએ એવી ટેકનિક વિકસાવી છે, જે તમારો ડેટા અધધધ 10 હજાર વર્ષ સુધી સુરક્ષિત રાખી શકે છે. કંપનીના પ્રોજેક્ટ સિલીકાએ લેસરની મદદથી ગ્લાસ પર ડેટાને એન્કોડ કરવાની સંપૂર્ણ વિશ્વસનીય ટેકનિક વિકસાવી છે. આ ટેકનિકમાં પાવરફુલ લેસર કિરણો વડે ગ્લાસની પાતળી પ્લેટની અંદર સૂક્ષ્મ સ્તરે ડેટા લખી શકાય છે.
આ પ્રક્રિયા ગ્લાસની સામાન્ય સપાટી પર નહીં, પરંતુ કાચની અંદર આવેલા લેયર પર થાય છે, જેથી આ ડેટાને બહારથી થતા નુકસાન સામે સુરક્ષિત રાખી શકાય છે. કોઈ પણ પ્રકારનું નુકસાન અહીં થતું નથી. અલબત્ત, આ સંશોધન કરનાર નિષ્ણાતોની ટીમના જણાવ્યા પ્રમાણે ગ્લાસમાં સ્ટોર કરેલો ડેટા તાપમાનની વધઘટ કે પણ અન્ય કોઈ પ્રકારના ઈલેક્ટ્રોમેગ્નેટિક ઈન્ટરફિયરન્સથી પણ પ્રભાવિત થતો નથી. ટૂંકમાં, તે વરસાદ, આગ કે ભીષણ ગરમીમાં પણ સેફ રહી શકે છે. આ ટેકનિક જરૂરી કાનૂની, ઐતિહાસિક, વ્યક્તિગત યાદો કે અન્ય દસ્તાવેજોના ડેટા સંપૂર્ણ સુરક્ષિત રાખવામાં મદદરૂપ નીવડશે.


