કાર વેન્ડિંગ મશીન
એક બટન દબાવો અને મનપસંદ લક્ઝરી કાર હાજર
સિંગાપોર સિટીઃ વિસ્તારની દૃષ્ટિએ ટચુકડા, પણ અત્યાધુનિક ટેક્નોલોજીના ઉપયોગ માટે જગવિખ્યાત સિંગાપોરે હવે ટેક્નોલોજી અને ડિઝાઈનના સંયોજનથી એક એવી અજાયબી સર્જી છે, જેણે લોકોનો કારખરીદીનો અનુભવ સંપૂર્ણ બદલી નાખ્યો છે. અહીં ઓટોબાન મોટર્સ નામની કંપનીએ 15 માળ ઊંચી એક અનોખી ઇમારત બનાવી છે. આ ઇમારત એક વિશાળ ‘કાર વેન્ડિંગ મશીન’ તરીકે કામ કરે છે. આ ટાવરમાં ફરારી, બેન્ટલે અને પોર્શે જેવી દુનિયાની લગભગ 60 જેટલી મોંઘી અને લક્ઝરી કારો પ્રદર્શિત કરાઇ છે.
ગ્રાહકે માત્ર એક સ્ક્રીન પર પોતાની મનપસંદ કાર પસંદ કરવાની હોય છે. થોડી જ મિનિટોમાં તે કાર નીચે આવી જાય છે. જે રીતે કોઈ વેન્ડિંગ મશીનમાંથી પીણું કે સ્નેક બહાર આવે છે. આ આખી સિસ્ટમ કમ્પ્યુટર-નિયંત્રિત છે, જેમાં ન તો સેલ્સમેનની જરૂર પડે છે કે ન તો કાર માટે વિશાળ શોરૂમની.
જગ્યા બચાવવા બનાવાયો આ આધુનિક ટાવર
સિંગાપોર વિશ્વના સૌથી ગીચ વસ્તીવાળા દેશોમાંનો એક છે, જ્યાં જમીનની કિંમત ખૂબ જ ઊંચી છે. જગ્યાની અછતનો સામનો કરવા માટે આ ટાવર બનાવાયો છે. ઓટોબાન મોટર્સે કારોને ઊંચાઈમાં પ્રદર્શિત કરવાની આ રીત પસંદ કરી, જેથી ઓછી જગ્યામાં વધુ વાહનો રાખી શકાય. આ સંપૂર્ણ ઓટોમેટેડ સિસ્ટમમાં તમામ કાર એક વિશેષ લિફ્ટ દ્વારા ઉપર-નીચે થાય છે. આનાથી માત્ર જગ્યાની બચત જ થતી નથી, પણ કાર ખરીદનારાઓને એક ઝડપી, સ્વચ્છ અને આધુનિક ખરીદીનો અનુભવ પણ મળે છે. આ નવી પદ્ધતિ સંસાધનોની બચત કરવાની સાથે સાથે લોકોના શોપિંગ અનુભવને પણ બદલી રહી છે.


