નવી દિલ્હીઃ જયપુરનું એક દંપતી ત્રણ વર્ષની દીકરી સાથે કારમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સફર પર નીકળ્યું છે. જોકે આ સફર અસામાન્ય છે. આ દંપતીએ નક્કી કર્યું છે કે તેઓ દેશના એક છેડાથી બીજા છેડા સુધીની આખી મુસાફરીમાં માત્ર 1 રૂપિયો ખર્ચ કરશે. અત્યાર સુધીમાં 2000 કિમી કરતાં વધુ મુસાફરી કરી ચૂકેલા આ દંપતીએ માત્ર મફતમાં મુસાફરી જ નથી કરી, પરંતુ ખાવાપીવા સહિતનો બધો ખર્ચ બાદ કરતાં લગભગ 10 હજારની ચોખ્ખી કમાણી પણ કરી છે.
ટ્રાવેલિંગના શોખ ધરાવતા રાહુલ દેવને વિચાર આવ્યો કે પત્ની અને દીકરી સાથે ભારતભ્રમણ તો કરવું છે, પણ સમગ્ર પ્રવાસના ખર્ચનું શું? અને તેના દિમાગમાં ‘કાફે કારવાં’નો વિચાર ચમક્યો. પત્ની સાથે મળીને વિચાર્યું અને પૂરા આયોજન સાથે આઇડિયા અમલમાં મૂક્યો. તેમણે પોતાની કારમાં પથારી અને અન્ય સામાનની સાથે રસોડાનો સામાન પણ રાખ્યો. રાહુલ અને તેમની પત્ની પિન્કી રસ્તામાં આવતા શહેરોમાં ફૂડ સ્ટોલ લગાવે છે અને ચા-નાસ્તો વેચીને તેમણે 26,500 રૂપિયાની કમાણી પણ કરી.
રાહુલ દેવ કહે છે કે હું ભારતમાં મુસાફરીના શોખીન લોકોને જણાવવા માગુ છું કે ઓછા ખર્ચે કે ખર્ચ વગર પણ કેવી રીતે યાત્રા કરી શકાય છે. જો મુસાફરી કરવાનું ઝનૂન હોય, તો બજેટ વચ્ચે નથી આવતું. તમે પ્લાન કરો કંઇકને કંઇક રસ્તો મળી જ આવશે.
રાહુલના જણાવ્યા મુજબ, તેઓ જે પણ શહેરમાં જઈ રહ્યા છે ત્યાં લોકો તેમના આ આઈડિયાને ખૂબ જ સારો પ્રતિસાદ આપી રહ્યા છે. તેમના ‘કાફે કારવાં’ના મેન્યુમાં કુલ્હડ ચા, અલગ-અલગ ફ્લેવરની કોફી, મેગી, આલુ પરોઠા, બર્ગર, વડાપાઉં, ઉપમા, મોમોઝ, પકોડા, ચાટ અને પોપકોર્નનો સમાવેશ થાય છે. દરેક શહેરમાં લોકો માત્ર તેમના સ્ટોલ પર આવીને ખરીદી જ નથી કરતા, પરંતુ ટિપ પણ આપે છે.
રાહુલ અને પિંકીના આ અનોખા આઇડિયાથી પ્રેરાઇને અનેક લોકો દ્વારા ટ્રિપને સ્પોન્સર કરવાથી લઇને ડોનેશન આપવાની ઓફરો આવી રહી છે, પરંતુ તેઓ તેને સ્વીકારવા તૈયાર નથી. બહુ નમ્રપણે આવી ઓફર નકારી દેતા આ દંપતી નક્કી કર્યું છે કે તેઓ એક જ રૂપિયામાં સમગ્ર સફર પૂરી કરવા પ્રતિબદ્ધ છે. તેમણે નક્કી કર્યું છે કે તેઓ આ અનોખી ચેલેન્જ ફૂડ આઈટમ વેચીને થયેલી કમાણીમાંથી જ પૂરી કરશે.


