કુદરતનો કરિશ્માઃ બે દિશામાં વહેતી દુનિયાની એકમાત્ર નદી

Sunday 29th March 2026 05:48 EDT
 
 

ટોરોન્ટોઃ સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે નદીઓ હંમેશા ઊંચાઈથી નીચાણ તરફ અને ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ એક જ દિશામાં વહેતી હોય છે, પણ આ નદીની વાત અલગ છે. કેનેડાના ગાઢ જંગલોમાં વહેતી ઈચિમામિશ નદી કુદરતનો એક એવો વણઉકેલ્યો કોયડો છે, જે વર્ષોથી વિજ્ઞાનીઓને મૂંઝવી રહ્યો છે.
સ્થાનિક આદિવાસી ભાષામાં ‘ઈચિમામિશ’ શબ્દનો અર્થ જ થાય છે ‘બન્ને તરફ વહેતી નદી’. આ નદીનો એક પ્રવાહ હડસન બે તરફ જાય છે, જ્યારે બીજો પ્રવાહ તેની બિલકુલ વિરુદ્ધ દિશામાં વહે છે. વિજ્ઞાનની ભાષામાં આ ઘટનાને ‘રિવર બાઇફરકેશન’ કહેવાય છે, પરંતુ ઈચિમામિશ જેવી સચોટતા બીજે ક્યાંય જોવા મળતી નથી. આ નદી એટલી રહસ્યમય છે કે ખુદ ‘નાસા’એ તેની સેટેલાઈટ તસવીરો લઈને અભ્યાસ કર્યો છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ નદીનો ઢાળ માત્ર 0.009 ટકા છે, જે લગભગ નહિવત ગણાય. આટલા ઓછા ઢાળમાં પાણી સ્થિર રહેવાને બદલે બંને દિશામાં મજબૂત પ્રવાહ સાથે કેવી રીતે વહે છે, તે હજુ પણ એક સંશોધનનો વિષય છે.
નિષ્ણાતોના મતે, આ એક ‘ઇનકમ્પ્લીટ રિવર કેપ્ચર’ની દુર્લભ ઘટના છે. જ્યારે એક નદી બીજી નદીનો માર્ગ બદલવાનો પ્રયાસ કરે પરંતુ તેને સંપૂર્ણ રીતે પોતાની તરફ વાળી ન શકે, ત્યારે આવું બને છે.
વેનેઝુએલા અને સુરીનામમાં પણ આવી કેટલીક નદીઓ જોવા મળે છે, પરંતુ ઈચિમામિશ જેવો સંતુલિત પ્રવાહ ક્યાંય નથી. નિષ્ણાતો તો આ ઘટનાને હાઇડ્રોલોજીના ક્ષેત્રમાં નેચરલ વર્મહોલ જેવી માને છે, જ્યાં પાણી બે અલગ-અલગ વોટરશેડ વચ્ચે વહેંચાઈ જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter