ભોપાલઃ મધ્યપ્રદેશના આ મહાનગરમાંથી આશ્ચર્યજનક સમાચાર આવ્યા છે. પાળેલા પ્રાણીઓના અંદરોઅંદરના ઝઘડાને કારણે પતિ-પત્ની વચ્ચે છૂટાછેડાની સ્થિતિ આવી ગઈ છે. હવે સગાંવહાલાંની મદદથી બંને પતિ-પત્નીને કાયદાકીય સલાહ અપાઇ રહી છે. તેમનું કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે. પતિ-પત્ની બંનેને પ્રાણીઓ પ્રત્યે ખૂબ પ્રેમ છે. બંનેએ ડિસેમ્બર 2024માં લવમેરેજ કર્યા હતા. લગ્ન પછી પત્ની પોતાની સાથે બિલાડી લઈને સાસરે આવી હતી. જ્યારે પતિએ ઘરમાં પહેલાંથી જ કૂતરા અને માછલીઓ પાળેલા હતા. આથી, બંને પક્ષના પાળેલા પ્રાણીઓ અંદરોઅંદર ઝઘડતા રહેતા હતા. આ ઓછું હોય તેમ પત્ની છેલ્લા કેટલાક સમયથી તેના પિયરથી સસલું પણ લાવવાની જીદ કરી રહી હતી. પરંતુ, પતિ સાથેના મતભેદોના કારણે તે સસલું ભોપાલ પોતાના ઘરે લાવી શકતી નહોતી. આથી, છૂટાછેડા માટે પતિ-પત્ની બંને વકીલ પાસે પહોંચ્યા હતા. પત્નીનું કહેવું છે કે તેના પતિનો કૂતરો તેની બિલાડી પર હુમલો કરે છે. જ્યારે પતિનું કહેવું છે કે બિલાડી માછલીઓ પર હુમલો કરે છે અને તેને શાંતિથી જીવવા દેતી નથી. હવે તેમને સમજાવવા સહુ કામે લાગ્યા છે.