એર્નાકુલમઃ લીલીછમ હરિયાળીથી હર્યાભર્યા કેરળમાં તાજેતરમાં એક અનોખો મેળાવડો યોજાઇ ગયો. પ્રવાસ-પર્યટન માટે જાણીતા કેરળના એર્નાકુલમ નગરના ટાઉન હોલમાં યોજાયેલા આ મેળાવડામાં બે વર્ષના બાળકથી માંડીને 72 વર્ષ સુધીના વડીલો સહિત 137 ટ્વિન્સ અને 4 ટ્રિપલેટ્સ એકત્ર થયા હતા. ત્રીજી વખત યોજાયેલા આ કાર્યક્રમમાં ઉમટી પડેલા જોડિયા અને ત્રિપુટી બાળકોએ તેમના જીવનના રસપ્રદ અનુભવો, રમુજી વાર્તાઓ અને સમાન દેખાવને કારણે સર્જાતી સમસ્યાઓને રજૂ કરી હતી. કેટલાક લોકો તો આ મેળાવડામાં હાજરી આપવા રજા લઈને વિદેશથી આવ્યા હતા.
ઓલ ટ્વિન્સ એસોસિએશન અને ઓલ કેરળ ટ્વિન્સ કોમ્યુનિટીએ સંયુક્ત રીતે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ત્રિપુટી સરિતા, સવિતા અને સંગીતા નામની ત્રણ બહેનોએ એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમોથી જોડિયા અને ત્રિપુટી બાળકોને તેમના જેવા જીવનસાથી મળવાની શક્યતા વધી છે.
સંગીતાનું કહેવું છે કે ટ્રિપલેટ તરીકે જન્મ લેવો તેના પરિવાર માટે એક પડકાર હતો, પરંતુ તેઓ જ્યાં પણ જાય છે, ત્યાં લોકો તેમને જોઈને ખુશ થઇ જાય છે. ત્રણેય બહેનો પોતાને એક સ્ટારની જેમ ફીલ કરે છે.
ત્રણેય બહેનો સરિતા, સવિતા અને સંગીતા અલાપ્પુઝા જિલ્લા નજીકના પેરુમ્બલમનાં રહેવાસી છે. લગ્ન પછી, ત્રણેય અલગ અલગ જગ્યાએ વસી ગયા છે. તેમણે આ મેળાવડામાં હાજર રહેલા ત્રિપુટી ભાઈઓ સાથે ફોટોગ્રાફ પણ પડાવ્યો હતો. ત્રણેય બહેનું કહેવું છે કે તેઓ જ્યાં પણ જાય છે, ત્યાં તેઓ ખાસ બની જાય છે.
કોડિન્હીઃ ભારતનું ટ્વિન્સ વિલેજ
કેરળ રાજ્યનો જોડિયા બાળકો સાથે ઊંડો અને અનોખો સંબંધ રહ્યો છે. મલ્લપ્પુરમનું એક નાનકડું ગામ કોડિન્હી તો ભારતના ટ્વિન્સ વિલેજ (‘જોડિયા ગામ’) તરીકે જ ઓળખાય છે. ગામમાં વસતાં 2000 પરિવારોમાં 400થી વધુ જોડિયા બાળકોનો જન્મ થયો છે. સંશોધકો આજે પણ તેના આનુવંશિક અને પર્યાવરણીય રહસ્યોને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ તેમને સફળતા મળી નથી.