કેરી રોજના પાંચ ગ્લાસ સ્વમૂત્ર પીએ છે

Wednesday 24th November 2021 06:40 EST
 
 

લંડનઃ ભારતના પૂર્વ અને દિવંગત વડા પ્રધાન મોરારાજીભાઈ દેસાઈ સ્વમૂત્ર અથવા ‘શિવામ્બુ’ પીવાના પ્રયોગો કરતા હતા તે જાણીતી વાત છે. હવે અમેરિકાના કોલોરાડોમાં રહેતી ૫૩ વર્ષીય મહિલા કેરી- Carrie રોજ પાંચ ગ્લાસ ભરીને પોતાનું યુરિન- મૂત્ર પી જાય છે. ધ સન અખબારના અહેવાલ અનુસાર કેરીને ચાર વર્ષ અગાઉ મેલેનોમા કેન્સરની જાણ થયા પછી તેણે સ્વમૂત્ર પીવાની શરૂઆત કરી હતી.

કોલોરાડોનિવાસી ૫૩ વર્ષીય માતા કેરીને પીવાના સાદા પાણીની જગ્યાએ યુરિન પીવાનું પસંદ છે અને હવે તેની આદત પડી ગઈ છે. તેનો દાવો સાચો માનીએ તો તેનો સ્વાદ તેને શેમ્પેઈન જેવો પણ લાગે છે. અત્યાર સુધી ચાર વર્ષમાં તેણે ઓછામાં ઓછું ૩,૪૦૬ લીટર જેટલું મૂત્ર પીધું છે.

TLCના ‘My Strange Addiction- મારી વિચિત્ર આદત’ કાર્યક્રમમાં કેરીએ જણાવ્યું હતું કે,‘મને હુંફાળું યુરિન પસંદ છે. તે મને આરામ આપે છે. મારાં યુરિનમાંથી ગંધનો આધાર હું જે ખાઉં છું તેના પર રહે છે. આજે તેનો સ્વાદ ચાર વર્ષની સરખામણીએ કંઈક અલગ છે. ક્યારેક તેનો સ્વાદ ખારાશપડતો હોય છે તો કદીક શેમ્પેઈન જેવો સ્વાદ આવે છે. મને અગાઉ, asparagus (શતાવરીનું કંદ) ઘણું જ ભાવતું હતું પરંતુ, હવે હું તે ખાતી નથી કારણકે તેનાથી યુરિનની ઘણી ખરાબ વાસ આવે છે.’

કેરીને ચાર વર્ષ અગાઉ મેલેનોમા કેન્સરની જાણ થયા પછી તેણે કીમોથેરાપીના બદલે પ્રાચીન પણ છોડી દેવાયેલી સ્વમૂત્રપાન સારવારનો નિર્ણય લીધો હતો. તે દાંત સાફ કરવા, આંખોમાં આંજવા, વાળ સાફ કરવા માટે પણ જૂના થયેલાં યુરિનનો ઉપયોગ કરે છે. જોકે, કેરીની દીકરી કેસી- Cassieને માતાના સ્વાસ્થ્યની ઘણી ચિંતા થાય છે કારણકે કેરીની પીઠમાં શંકાસ્પદ મસો- mole દેખાયો છે જેની સારવાર માટે તેને ડોક્ટર પાસે પણ લઈ ગઈ હતી. ડોક્ૉરે તેની બાયોપ્સી કરવાની સલાહ પણ આપી છે. જોકે, કેરી સ્વમૂત્રપાન કરવાનું છોડવાં તૈયાર નથી. તેનું કહેવું છે કે જો તે મૂત્ર પીવાનું છોડી દેશે તો તેનું મોત થઈ જશે.

પ્રશ્ન એ થાય કે પોતાનું જ મૂત્ર પીવાથી કોઈ ફાયદો થાય કે નહિ? આ વિશે મતમતાંતર છે. ધ સનના ન્યૂટ્રિશનિશ્ટ અમાન્ડા ઉર્સેલ કહે છે કે,‘તમારા શરીર માટે આવશ્યક તમામ સારા તત્વો શોષાઈ ગયાં પછી જેની જરૂર ન હોય તેવાં વધારાના તત્વો મૂત્ર દ્વારા બહાર ફેંકાય છે. તમારી કિડનીએ બરાબર ફિલ્ટર કરીને બહાર કાઢ્યું હોય તેવાં પ્રવાહી-મૂત્રને પીવાનો શું અર્થ છે? મૂત્ર સિવાય અન્ય પ્રવાહી ન લેવાય તો પોષણની અછતનું જોખમ સર્જાય છે. દરેક પોષક તત્વ, વિટામીન્સ અને મિનરલ્સ પૂરતાં પ્રમાણમાં ન લેવાય તો તેની અછત થવી સ્વાભાવિક છે. જો પોષણયુક્ત ખોરાકના બદલે યુરિનનો જ ઉપયોગ કરો તો કોઈ બીમારી દૂર થવાના બદલે અનેક આરોગ્ય સમસ્યાઓ ઉભી થઈ શકે છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter