કોફિનમાં સૂઓ અને સ્ટ્રેસમાંથી મુક્તિ મેળવો

Sunday 08th March 2026 10:13 EDT
 
 

ટોક્યોઃ આજની દોડધામભરી જિંદગીમાં સહુ કોઇ શાંતિની તલાશમાં છે, સહુ કોઇ શાંતિ માટે મથી રહ્યા છે ત્યારે જાપાનમાં માનસિક શાંતિ મેળવવાનો એક અત્યંત વિચિત્ર રસ્તો શોધ્યો છે. અહીં લોકો સ્ટ્રેસ ઓછો કરવા જીવતાજાગતાં કોફિન (તાબૂત)માં સૂવાનું પસંદ કરી રહ્યા છે. હાલ જાપાનમાં ‘કોફિન લાઈંગ’ એટલે કે તાબૂતમાં સુઈને મેડિટેશન કરવાનો ટ્રેન્ડ તેજીથી વધી રહ્યો છે.

ટોક્યોસ્થિત ‘મીસો કુકાન કાનોકે ઈન’ જેવા સ્પા અને ફ્યુનરલ હોમ્સમાં લોકો 30 મિનિટના એક સેશન માટે અંદાજે 13 ડોલર (આશરે 1200 રૂપિયા) ચૂકવી રહ્યા છે. જેમાં વ્યક્તિએ કોફિનની અંદર સૂવાનું કે શાંતિથી પોતાની મરજી મુજબ બેસવાનું હોય છે. આ સમયમાં તે સંગીત સાંભળી શકે છે કે તાબૂતની છત પર લગાવેલા સ્ક્રીનમાં વીડિયો જોઈ શકે છે. કોફિનને એક એવી શાંત જગ્યા તરીકે જોવામાં આવે છે જ્યાં બહારની દુનિયાનો અવાજ પહોંચતો નથી. લોકો અહીં જીવન અને મૃત્યુ વિશે ઊંડાણપૂર્વક વિચારી શકે છે. જાપાનમાં ‘કૂયો’ જેવી પ્રથાઓ પહેલેથી જ છે, આ વિચારની શરૂઆત ચીબા પ્રીફેક્ચરના એક ફ્યુનરલ હોમથી થઈ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને એ અહેસાસ કરાવવાનો છે કે મૃત્યુ હંમેશા અંધકારમય કે ડરામણું હોતું નથી. જાપાનમાં આત્મહત્યાનો દર અને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓમાં તીવ્ર ઉછાળો નોંધાયો હોવાથી માનસિક શાંતિ માટે આવા સર્જનાત્મક રસ્તાઓ અપનાવાઇ રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter