બોગોટા (કોલંબિયા)ઃ યુનેસ્કોએ દક્ષિણ અમેરિકન દેશ કોલંબિયાના મેડેલિન નગરને વર્ષ 2027 માટે વર્લ્ડ બુક કેપિટલ જાહેર કર્યું છે. આ વૈશ્વિક સન્માન થકી શહેરમાં વાંચનને પ્રોત્સાહન, પુસ્તકો સુધી સરળ પહોંચ અને વાંચનથી સમાજમાં બદલાવ લાવવા માટેના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા છે. મેડેલિનને આ સન્માનિત દરજ્જો 23 એપ્રિલ 2027થી મળશે, જે દિવસ વિશ્વભરમાં વર્લ્ડ બુક અને કોપીરાઈટ ડે તરીકે ઉજવાય છે. આ પછી એક વર્ષ સુધી મેડેલિનમાં સાહિત્યિક કાર્યક્રમો, વાંચન અભિયાન અને સામાજિક પહેલો યોજાશે.
યુનેસ્કોની જાહેરાત મુજબ આ સન્માન માટે મેડેલિનની પસંદગી દર્શાવે છે કે સંસ્કૃતિ અને પુસ્તકો સમાજમાં સમાનતા અને શાંતિ લાવવા માટે મહત્ત્વપૂર્ણ સાધન બની શકે છે. આ શહેરે પુસ્તકો, શિક્ષણ અને નગર વિકાસને જોડીને એક અસરકારક મોડેલ ઉભું કર્યું છે. એક સમય હતો જ્યારે 1990ના દાયકામાં મેડેલિન હિંસા માટે જાણીતું હતું. પરંતુ, છેલ્લા કેટલાક વર્ષોમાં આ શહેરે પબ્લિક લાઈબ્રેરી, શિક્ષણ અને સંસ્કૃતિમાં રોકાણ કરીને પોતાની ઓળખ બદલી છે. સરકાર દ્વારા પછાત વિસ્તારોમાં લાઇબ્રેરી અને વાંચન કાર્યક્રમો દ્વારા લોકો સુધી જ્ઞાનનો પ્રચાર-પ્રસાર થયો છે. મેડેલિન તેના લાઇબ્રેરી પાર્ક (Parques Biblioteca) માટે ખાસ ઓળખ ધરાવે છે. આ પ્રકારના કેન્દ્રો લાઈબ્રેરીની સાથે સાથે શિક્ષણ અને સામાજિક પ્રવૃત્તિઓ માટે મહત્વપૂર્ણ સ્થળ તરીકે ઉભર્યા છે. આ સાથે જ કોલંબિયા એવો પહેલો દેશ બન્યો છે, જેના બે શહેરોને આ સન્માન મળ્યું છે.
આ પહેલા બોગોટાને 2007માં આ સન્માન મળી ચૂક્યું છે. યુનેસ્કો દ્વારા 2001માં શરૂ કરાયેલા વર્લ્ડ બુક કેપિટલ કાર્યક્રમ હેઠળ દર વર્ષે એવા શહેરોને પસંદ કરાય છે, જે વાંચન, પુસ્તકો, અભિવ્યક્તિની સ્વતંત્રતાને પ્રોત્સાહિત કરે છે. મેડેલિન હવે 2026માં આ ખિતાબ ધરાવતા મોરોક્કોના રબાત પાસેથી આ જવાબદારી સંભાળશે અને વૈશ્વિક સ્તરે સાહિત્ય અને વાંચન સંસ્કૃતિને આગળ વધારશે.


