પાણીપતઃ હરિયાણાના પાણીપતના એક સાધુબાબાનો વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર બહુ જ વાઇરલ થયો છે. જેમાં દર્શાવાયેલા બાબા છેલ્લા 12 વર્ષથી સળંગ ઉભા રહીને કઠોર તપસ્યા કરી રહ્યા છે. સાધુબાબાનું નામ છે દુલાલ ગિરીજી મહારાજ.
ભક્તોમાં ‘ખડેશ્વરી બાબા’ કે ‘ખડા બાબા’ના નામે વધુ જાણીતા દુલાલ ગિરીજીએ નાનપણમાં જ અભ્યાસ છોડીને પોતાનું સમગ્ર જીવન ભગવાન શિવજીની ભક્તિમાં સમર્પિત કરી દીધું છે. ખડેશ્વરી બાબા શિવજીના દર્શનની આશથી છેલ્લા 12 વર્ષથી તપ કરી રહ્યા છે.
હિન્દુ, બૌદ્ધ અને જૈન પરંપરાઓમાં આધ્યાત્મિક સાધના અને આત્મસંયમ માટે આવી કઠોર સાધનાઓ થાય છે. દુલાલ ગિરીજી મહારાજની સાધના પણ આવા જ પ્રાચીન હિન્દુ હઠયોગનો એક ભાગ છે. આ સાધનામાં સાધુઓ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા કે વિશ્વ કલ્યાણ માટે રાત-દિવસ માત્ર ઊભા રહીને તપસ્યા કરે છે. તેઓ જમીન પર સૂતા કે બેસતા નથી. આરામ કે ઊંઘ પૂરી કરવા માટે તેઓ ઝૂલા (ખાસ પ્રકારની દોરી/આધાર)નો ઉપયોગ કરે છે. સતત ઊભા રહેવાની આવી આકરી સાધનાના પરિણામે પગમાં સોજા આવી જવા કે પગ ભારે થઈ જવા જેવી સમસ્યાઓ થાય છે, જેના માટે તેમના શિષ્યો 24 કલાક સેવા અને માલિશ કરતા હોય છે. દુલાલ ગિરીજી મહારાજના પગ પણ લોહી જામી જવાથી કાળા પડી ગયા છે અને સોજીને થાંભલા જેવા થઇ ગયા છે. ડોક્ટર્સે પણ ચિંતા વ્યક્ત કરી છે કે સતત ઉભા રહેવાથી લોહીનું પરિભ્રમણ ખોરવાઈ ગયું છે અને લિમ્ફડેમા કે ગેંગ્રીન જેવી ગંભીર બીમારીઓ થવાની ચેતવણી ઉચ્ચારી છે, સાધુબાબાને આવી કોઇ વાતથી ફરક પડતો નથી. તેઓ તો શિવ સાધના માટે અડગ છે.


