ગ્વાલિયરમાં ગાંધીગીરીઃ કચરો રસ્તા પર ફેંક્યો તો ઘર બહાર રામધૂન કરાશે

Friday 03rd December 2021 08:37 EST
 
 

ગ્વાલિયરઃ મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરમાં લોકોને સફાઈની દિશામાં પ્રેરિત કરવા માટે અનોખો નિર્ણય લેવાયો છે. જે કોઇ વ્યક્તિ ઘરનો કચરો રસ્તા પર કે ખુલ્લામાં ફેંકશે તો ભજનગાયક તેમના ઘરની સામે રામધૂન ગાશે.
મહત્વનું છે કે, ચાલુ વર્ષના રાષ્ટ્રીય સ્વચ્છતા રેન્કિંગમાં ગ્વાલિયર મ્યુનિસિપલ કોર્પોરેશન પાછળ રહ્યું છે. એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે જાહેરમાં કચરો ફેંકનારા લોકોના આંગણે રામધૂન કરનારા ગાયકોને મોકલવાના નિર્ણય પાછળનો ઉદ્દેશ્ય આવું કૃત્ય કરનારને શરમજનક સ્થિતિમાં મૂકીને સુધારવાનો છે. આવા પગલાં છતાં જો નિયમ તોડશે તો તેમને દંડની જોગવાઇ તો છે જ.
ગ્વાલિયર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર કિશોર કાન્યાલ કહે છે કે કોર્પોરેશનના કર્મચારીઓ વાહનો દ્વારા ઘરે-ઘરે જઇને કચરો એકત્રિત કરે છે, પરંતુ કેટલાંક લોકો હજુ પણ પોતાના ઘરની બહાર, રસ્તા પર કે જાહેર સ્થળોએ કચરો ફેંકી રહ્યાં છે. તેમણે કહ્યું કે આવા લોકોને પહેલાં તો વિનંતી કરાશે કે તેઓ પોતાના ઘરના કચરાને કોર્પોરેશનના વાહનોમાં ઠાલવે. પરંતુ આમ છતાં પણ જો તેઓ પોતાની પદ્ધતિ નહીં બદલે તો ભજન ગાયકના સમૂહને તેમના ઘરે મોકલીને રામધૂન સંભળાવાશે. જો આ પછી પણ સ્થિતિમાં ફેરફાર નહીં આવે તો દંડ કરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter