ચંડીગઢમાં અનોખી લંગર સેવા...

કારધારકને રૂ. 1000નું તો ટુ વ્હીલરને રૂ. 500નું પેટ્રોલ વિનામૂલ્યે

Friday 28th August 2026 08:47 EDT
 
 

ચંડીગઢ: તમે તમારી આસપાસ પુરી-શાક, રાજમા-ચાવલ કે અન્ય જાતભાતના વ્યંજનો કે ઠંડા-ગરમ પીણાંનાં લંગર વિશે જોયું અને સાંભળ્યું હશે. પરંતુ શું તમે ક્યારેય પેટ્રોલની લંગર સેવા જોઇ છે?! ગયા મંગળવારે પંજાબના પાટનગર ચંડીગઢમાં પેટ્રોલ લંગરનું આયોજન કરાયું હતું. જેમાં લોકોને વિનામૂલ્યે પેટ્રોલનું વિતરણ કરાયું હતું. ટુ-વ્હીલરમાં 500 રૂપિયાનું જ્યારે ફોર-વ્હીલરમાં 1000 રૂપિયાનું પેટ્રોલ મફ્તમાં ભરવામાં આવ્યું હતું.
આ અનોખા લંગરનું આયોજન અમૃતસરના રહેવાસી રાજા દ્વારા કરાયું હતું. ઉલ્લેખનીય છે કે આ જ રાજાએ તાજેતરમાં 500 રૂપિયાની નોટના લંગરનું પણ આયોજન કર્યું હતું. રાજાએ જણાવ્યું હતું કે માતા દેવીની આસ્થાને કારણે પેટ્રોલ લંગરનું આયોજન કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ચંડીગઢમાં સેક્ટર 10 અને સેક્ટર 7માં તેમની માલિકીના બે પેટ્રોલ પંપ છે - સિદ્ધુ પેટ્રોલ પંપ અને ઓબેરોય પેટ્રોલ પંપ. આ બન્ને પેટ્રોલ પંપ પર લંગરના ભાગરૂપે લોકોને વિનામૂલ્યે પેટ્રોલનું વિતરણ કરાયું હતું. પેટ્રોલના ભાવ આસમાનને આંબી રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે આ અનોખી લંગર સેવા લોકોમાં ચર્ચાનો વિષય બની હતી. રાજાએ કહ્યું કે મંગળવારે સાંજે પાંચ વાગ્યાથી આ સેવા શરૂ થઈ હતી. પહેલાં વાહનચાલકોને કાર્ડનું વિતરણ કરાયું હતું. જેમાં ટુ-વ્હીલર ચાલકને 500 રૂપિયાનું અને ફોર-વ્હીલર્સના ચાલકને 1000 રૂપિયાનું કાર્ડ અપાયું હતું. કોઇ પણ વ્યક્તિ ફક્ત ત્યાં આવીને ‘જય માતાજી’ બોલે તેને પેટ્રોલ અપાતું હતું. રાજાએ કહ્યું કે પેટ્રોલ લંગરનું આયોજન કરવાનું મારું લાંબા સમયથી સ્વપ્ન હતું, જે આખરે સાકાર થયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter