બૈજિંગઃ ચીનના વૈજ્ઞાનિકોએ પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજીની દિશામાં એક મોટી સફળતા હાંસલ કરી છે. તેમણે એક એવી અનોખી ‘વોટર બેટરી’ વિકસાવી છે જે માત્ર સુરક્ષિત જ નથી, પરંતુ તેની કાર્યક્ષમતા પણ આશ્ચર્યજનક છે. આ બેટરીની સૌથી મોટી વિશેષતા એ છે કે તેને 1.2 લાખ વખત ચાર્જ કરી શકાય છે, જે વર્તમાન લિથિયમ-આયન બેટરી કરતા અનેકગણી વધુ છે.
સંશોધનમાં સૌથી ચોંકાવનારી બાબત તેમાં વપરાતું લિક્વિડ (ઇલેક્ટ્રોલાઈટ) છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ બેટરીમાં વપરાતું પ્રવાહી એટલું સુરક્ષિત છે કે તે ટોફૂ (પનીર જેવો ખાદ્ય પદાર્થ) બનાવવા માટે વપરાતા નમકીન પાણી (બ્રાઈન) જેવું છે. આ પાણી આધારિત બેટરી ઝેરી નથી, જેના કારણે તેનો નિકાલ કરતી વખતે પર્યાવરણને કોઈ નુકસાન થતું નથી. વળી, લિથિયમ બેટરીની સરખામણીએ આમાં આગ લાગવાનો કે વિસ્ફોટ થવાનો કોઈ ભય રહેતો નથી.
આ બેટરી 1.2 લાખ વાર ચાર્જિંગ સાયકલને કારણે વર્ષોસુધી કાર્યરત રહી શકે છે. આમાં મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા કુદરતી તત્વોનો ઉપયોગ થયો છે, અને તે જમીનમાં વિપુલ પ્રમાણમાં મળે છે. પરંપરાગત બેટરીઓની તુલનામાં તેનું ઉત્પાદન સસ્તું પડવાની શક્યતા છે.
આ સંશોધન આગામી સમયમાં ઈલેક્ટ્રિક વાહનો અને પાવર ગ્રીડ સ્ટોરેજ માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ટેકનોલોજીથી ઈલેક્ટ્રિક ગાડીઓની કિંમતમાં ઘટાડો થશે.


