બેઇજિંગઃ ચીને પહેલી વાર 19 સીટવાળા ઇલેક્ટ્રિક પેસેન્જર એરક્રાફટની સફળ ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો છે. આ સાથે જ તેણે બેટરી ઓપરેટેડ વિમાનને કોમર્શિયલ ઉડ્ડયન ક્ષેત્રે સામેલ કરવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. કલાકના 300 કિલોમીટરની ઝડપે ઉડાન ભરવા સક્ષમ 10 ટનના CE-25A વિમાને શેનડોંગ પ્રાંતમાં ત્રણ ક્રૂ મેમ્બર્સ સાથે તેની પ્રથમ ફલાઇટ પૂર્ણ કરી હતી. સરકાર હસ્તકના કોમર્શિયલ એરક્રાફટ કોર્પોરેશન ઓફ ચાઇના દ્વારા વિકસિત આ એરક્રાફટ પ્રવાસીઓને 400 કિમી સુધીના અંતર સુધી લઈ જવા ડિઝાઇન કરાયું છે. ફલાઇટ પરીક્ષણ કુલ 57 મિનિટ 46 સેકન્ડ ચાલ્યું હતું. વિમાને કુલ 16 મિનિટ 38 સેકન્ડ ઉડ્ડયન કરીને 60.4 કિમી અંતર કાપ્યું હતું.
આ ઇલેક્ટ્રિક વિમાન CE-25Aની વિશેષતા ઈલેક્ટ્રિક એન્જિન સિસ્ટમ છે, જે ડિસ્ટ્રિબ્યુટેડ ઇલેક્ટ્રિક ડક્ટેડ-ફેન પ્રોપલ્શન સિસ્ટમનો ઉપયોગ કરે છે. પાંખો પર લગાવેલા અનેક ઈલેક્ટ્રિક ડક્ટેડ ફેન હવાને પાછળ ધકેલીને વિમાનને આગળ ધપાવે છે. આ ટેકનોલોજી પરંપરાગત જેટ એન્જિનથી અલગ છે અને ઈલેક્ટ્રિક ઉડ્ડયન ક્ષેત્રે નવી સંભાવના ઊભી કરે છે. બે પાઇલટ અને એક ફ્લાઇટ એન્જિનિયર સંચાલિત આ પ્રથમ ઉડાન પૂર્વે વિમાને બીજી ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રથમ સ્વચાલિત ઉડાન ભરી હતી. તે સમયથી અત્યાર સુધીમાં કુલ 19 માનવરહિત પરીક્ષણો પણ કરાયા હતા.


