લંડનઃ દુનિયામાં ક્યારેક એવા અજબગજબ કિસ્સા બનતા હોય છે, જેના વિશે સાંભળીને સુખદ આશ્ચર્ય થાય છે...! હેલન-માઇક નામના બ્રિટિશ દંપતિનો જ દાખલો લો ને... તેમણે એવું કંઈક કર્યું છે કે જેણે સહુને આશ્ચર્યમાં મૂકી દીધાં છે. આ દંપતિ ફરવા માટે ભારતપ્રવાસે ગયું તો એક રિક્ષા ખરીદી હતી. ભારતભ્રમણ પૂરું થયું ત્યાં સુધીમાં તો તેમને રિક્ષાથી એટલો પ્રેમ થઈ ગયો કે તેઓ રિક્ષાને પોતાની સાથે લંડન લઇ આવ્યા છે!
ભારત ફરવા પહોંચેલા હેલન અને માઇકે લોકોને નજીકથી હળીમળી શકાય, જીવંત સંપર્ક રહે અને પ્રવાસ માણી શકાય તેવા ઉદ્દેશથી તેમણે ચેન્નઈથી એક લાલ રંગની રિક્ષા (ટુક-ટુક) ખરીદી હતી. આ રિક્ષાને તેમણે ‘ટિમ્મી’ નામ આપ્યું અને આ સાથે જ હેલન-માઇકના તેની સાથેના સંબંધની શરૂઆત થઇ. તેમણે લાલ રંગની રિક્ષા પર આંખો અને સ્માઇલીના કાર્ટૂન બનાવીને સુંદર ઓપ આપ્યો. એટલું જ નહીં ભારત પ્રવાસના આરંભે ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવ્યું, જેનું રિક્ષાના નામ પરથી યુઝર આઇડી રાખ્યું ‘timmy_the_tin_can’, જેના 9000થી વધુ ફોલોઅર્સ પણ છે.
દંપતિએ આ રિક્ષામાં ઉત્તર ભારતથી લઈને છેક શ્રીલંકા સુધીની સફર ખેડી. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને દક્ષિણ ભારતના અનેક સ્થળો તેમણે આવરી લીધા હતા તો ગોવાના દરિયાકાંઠે પણ પહોંચ્યા હતા. બન્નેએ આ રિક્ષામાં 4000 કિમીથી વધુનો પ્રવાસ કર્યો. 75 દિવસના આ પ્રવાસ દરમિયાન રિક્ષા સાથે એક આત્મીયતા બંધાઈ ગઈ હતી, જેને કોઈ પણ ભોગે તેઓ તોડવા માંગતા નહોતા. આથી બ્રિટન પરત ફરતાં ‘ટિમ્મી’ને પણ પોતાની સાથે લઇ જવાનું નક્કી કર્યું.
દંપતિએ રિક્ષાને કાર્ગો શિપ મારફતે રવાના કરી દીધી હતી. હવે છ મહિના બાદ 23 ઓક્ટોબરે લંડનના ગેટવે પોર્ટ પર આવી પહોંચેલી ‘ટિમ્મી’ને લાકડાના બોક્સમાં કાઢતી વખતનો વીડિયો બનાવાયો છે. જેમાં જણાવાયું છે કે અહીં સિઝન-વન પૂર્ણ થાય છે. હેલન અને માઈક કહે છે કે અમે ‘ટિમ્મી’ સાથેની યાદો ક્યારેય ભૂલી શકીએ એમ નથી. ‘ટિમ્મી’એ અમારું જીવન જ બદલી કાઢ્યું છે અને ખૂબ જ જલ્દી સિઝન-ટુ (યુકે) પણ આવશે.


