જાપાનમાં અવાજ કરતાં પાંચ ગણી ઝડપે ઉડતા હાઈપરસોનિક પ્લેનનું પરીક્ષણ

Tuesday 26th May 2026 09:16 EDT
 
 

ટોક્યોઃ જાપાને મેક-5 સ્પીડ એટલે કે અવાજ કરતાં પાંચ ગણી ઝડપે ઉડનારા હાઈપરસોનિક પ્લેન માટેના સ્પેશિયલ રેમજેટ એન્જિનનું સફળ પરીક્ષણ કરીને ઇતિહાસ રચ્યો છે. આ ટેકનોલોજી ભવિષ્યમાં હવાઈ મુસાફરીના કન્સેપ્ટને સંપૂર્ણપણે બદલી નાંખવાની ક્ષમતા ધરાવે છે.
દેશની સ્પેસ એજન્સી, જાપાન એરોસ્પેસ એક્સ્પોલરેશન એજન્સીએ જણાવ્યું કે, આ ટેસ્ટીંગ દરમિયાન રેમજેટ એન્જિન અત્યંત ઊંચા તાપમાન અને ભારે દબાણ વચ્ચે પણ સફળ રહ્યું. હાઈપરસોનિક સ્પીડ દરમિયાન વિમાનની બહારનું તાપમાન લગભગ 1,000 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આ વિમાન મેક-5 એટલે કે, અવાજની ગતિ કરતાં પાંચ ગણું ફાસ્ટ ઉડે છે. તેની સ્પીડ આશરે 6,000 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે.
ઉલ્લેખનીય છે કે, હાલના મોટા પેસેન્જર વિમાનો સામાન્ય રીતે મેક-0.8ની આસપાસ સ્પીડે ઉડે છે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં જાપાનની અનેક યુનિવર્સિટીઓ પણ જોડાઈ છે. પરીક્ષણ જાપાન એરોસ્પેસ એક્સ્પોલરેશન એજન્સીના કાકુદા રિસર્ચ સેન્ટરમાં કરાયું હતું. વૈજ્ઞાનિકોએ ત્યાં હાઇપરસોનિક પરિસ્થિતિઓનું કૃત્રિમ વાતાવરણ તૈયાર કર્યું હતું.
સંશોધકોનું માનવું છે કે આ ટેકનોલોજી સફળ રહે તો ટોક્યોથી અમેરિકા સુધીની લાંબી મુસાફરી માત્ર બે કલાકમાં શક્ય બની શકે છે. ભવિષ્યમાં તેનો ઉપયોગ અતિઝડપી પેસેન્જર વિમાનો અને સ્પેસપ્લેન માટે પણ થઈ શકે છે. હાલ અમેરિકા, ચીન યુરોપ પણ હાઈપરસોનિક ટેકનોલોજી પર ઝડપથી કામ કરી રહ્યા છે. જાપાનનું આ પરીક્ષણ વૈશ્વિક હાઈસ્પીડ એવિએશન રેસમાં મહત્વપૂર્ણ પગલું મનાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter