ટોક્યો: કલ્પના કરો કે કોઈ ખાસ પ્રસંગે તમારે તમારી સાથે પરિવારના કોઈ સભ્યની જરૂર છે, પરંતુ અસલ જિંદગીમાં તેઓ તમારી સાથે હાજર નથી. આવા સમયે જો કોઈ તમને કહે કે તમે થોડા કલાકો કે થોડા દિવસો માટે માતા-પિતા, ભાઈ-બહેન, મિત્ર કે જીવનસાથીની ભૂમિકા ભજવનાર વ્યક્તિને ભાડે રાખી શકો છો, તો કદાચ આ વાત તમને થોડી અજીબ લાગશે. પરંતુ જાપાનમાં આ કોઈ ફિલ્મી વાર્તા નથી. પણ એક વાસ્તવિક બિઝનેસ મોડલ છે.
જાપાનમાં આવી સેવાઓને ‘રેન્ટ અ ફેમિલી’ અથવા પ્રોફેશનલ સ્ટેન્ડ-ઈન સર્વિસના નામથી ઓળખવામાં આવે છે. આ સેવાઓ હેઠળ જરૂરિયાત મુજબ કલાકારોને અલગ-અલગ સંબંધોની ભૂમિકા ભજવવા માટે બોલાવવામાં આવે છે. આ પ્રકારની સેવાઓની શરૂઆત 1990ના દાયકામાં થઈ હતી અને સમયની સાથે તેનો વ્યાપ વધતો ગયો. આ સેવાની કિંમત ભૂમિકા અને સમયના હિસાબે બદલાઈ શકે છે. એક અહેવાલ અનુસાર, એક વ્યક્તિને ભાડે લેવાનો ખર્ચ કલાક દીઠ 5,000 જાપાનીઝ યેન (આશરે 24 પાઉન્ડ)થી 20,000 જાપાનીઝ યેન (આશરે 96 પાઉન્ડ) સુધી હોય છે.


