ટોક્યોઃ જાપાન ફરી એકવાર ટેકનોલોજીની દુનિયામાં પોતાનો ડંકો વગાડવાની તૈયારીમાં છે. જાપાનીઝ નિષ્ણાતો હાલમાં વિશ્વની સૌથી ઝડપી ટ્રેન L0 સિરીઝ મેગ્લેવ (Maglev) પર કામ કરી રહ્યા છે. અંદાજે 52 બિલિયન ડોલર (આશરે 5.5 લાખ કરોડ રૂપિયાથી વધુ)નો માતબર ખર્ચે આ પ્રોજેક્ટ સાકાર થઇ રહ્યો છે. વિમાનની ઝડપે દોડનારી આ ટ્રેન એટલી ઝડપી હશે કે તે મુસાફરીનો સમય અડધા કરતાં પણ વધુ ઘટાડશે.
આ મેગ્લેવ ટ્રેનની સૌથી મોટી વિશેષતા તેની ગતિ છે. પરીક્ષણ દરમિયાન આ ટ્રેને 375 માઇલ પ્રતિ કલાક (આશરે 603 કિમી પ્રતિ કલાક)ની સર્વોચ્ચ ઝડપ હાંસલ કરીને વિશ્વ વિક્રમ સર્જ્યો છે. સામાન્ય રીતે આ ટ્રેન પાટા પર 500 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. પરિણામે હાલમાં જે અંતર કાપવામાં 90 મિનિટ લાગે છે, તે આ ટ્રેન માત્ર 40 મિનિટમાં પૂર્ણ કરશે.
ટ્રેન દોડશે નહીં, હવામાં તરશે
આ ટ્રેન પરંપરાગત ટ્રેનોની જેમ વ્હીલ્સ (પૈડાં) પર ચાલતી નથી. તે ‘મેગ્નેટિક લેવિટેશન’ (મેગ્લેવ) ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. સુપરકન્ડક્ટિંગ મેગ્નેટની મદદથી ટ્રેન પાટાથી લગભગ 10 સેન્ટિમીટર ઊંચી હવામાં તરે છે. ઘર્ષણ ન હોવાને કારણે તે વિમાન જેવી ગતિ પકડી શકે છે.
એન્જિનિયરિંગની અજાયબી
• ટ્રેનનો આગળનો ભાગ 15 મીટર લાંબો અને અણીદાર છે, જેથી ટનલમાં પ્રવેશતી વખતે હવાનું દબાણ અને અવાજ ઓછો થાય. • આ રેલવે લાઇનનો લગભગ 85 ટકા ભાગ જમીનની નીચે (ટનલમાં) બનાવાઇ રહ્યો છે. • અગાઉ આ પ્રોજેક્ટ 2027 સુધીમાં પૂર્ણ થવાનો હતો, પરંતુ પર્યાવરણીય કારણો અને ટનલના જટિલ કામને કારણે હવે તે 2034-2035 સુધીમાં શરૂ થવાની શક્યતા છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી ટોક્યો અને ઓસાકા જેવા મોટા શહેરો વચ્ચેનું અંતર ગણતરીની મિનિટોમાં કપાઈ જશે.


