વાયનાડ (કેરળ)ઃ આજકાલ વૃદ્ધોની સૌથી મોટી ફરિયાદ છે - એકલતા. કોઇને તેમના માટે સમય નથી કે કોઇ તેમની સાથે સમય વિતાવતું નથી આ ફરિયાદ તેમને સૌથી વધુ અકળાવતી હોય છે. જોકે કેરળની એક સંસ્થાએ આ સમસ્યાનો ઘણાઅંશે ઉકેલ શોધી કાઢ્યો છે. વૃદ્ધોની સંભાળ અને એકલતાના મુદ્દાને ઉકેલવા માટે કોટ્ટાયમ જિલ્લાની એલિકુલમ પંચાયતમાં જાપાનથી પ્રેરિત ‘ટાઈમ બેંક’ પ્રોજેક્ટ શરૂ કરાયો છે, જે જાપાનની ફુરેઈ કિપ્પુ યોજનાથી પ્રેરિત છે.
આનાથી એકલા રહેતા વૃદ્ધોને યુવાનોનો થોડો સમય સાથ મળશે અને જરૂરી મદદ પણ સરળતાથી મળી રહેશે... અને તે પણ વિનામૂલ્યે. આ પહેલ કરનાર કેરળ ડેવલપમેન્ટ એન્ડ ઈનોવેશન સ્ટ્રેટેજિક કાઉન્સિલ (K-DISC)ના સલાહકાર દીપા ગોપીનાથ જણાવે છે કે, ‘એલિકુલમમાં 7,652 વૃદ્ધ રહે છે, જેમાંથી ઘણા એકલા છે અને તેમને રોજિંદા કાર્યોમાં મદદની જરૂર હોય છે. આ યોજનામાં સ્વયંસેવકો વૃદ્ધોને બેન્ક, હોસ્પિટલ અથવા બજારમાં જવામાં મદદ કરશે. બદલામાં, સ્વયંસેવકોને સમયના સ્વરૂપમાં ક્રેડિટ મળશે, જેનો ઉપયોગ તેઓ ભવિષ્યમાં પોતાના માટે કરી શકશે. આ યોજના વૃદ્ધોને સામાજિક રીતે જોડશે તો યુવાનોને સેવાની તકો પૂરી પાડશે. સ્વયંસેવકો વૃદ્ધો સાથે સમય વિતાવીને અથવા મદદ કરીને ક્રેડિટ કમાય છે. તેઓ જેમ-જેમ સેવા કરે છે, તેટલો સમય તેમના ખાતામાં ઉમેરાતો રહે છે.'
વેબસાઇટના માધ્યમથી નોંધણી
યોજનાના સરળ અમલીકરણ માટે વાયનાડની સરકારી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ વેબસાઈટ બનાવી છે. જેના પર સ્વયંસેવકો અને વૃદ્ધો રજિસ્ટ્રેશન કરાવી શકે છે. પોલીસ ચકાસણી પછી જ સ્વયંસેવકોને મંજૂરી અપાય છે. તેઓ કઈ સેવાઓ પૂરી પાડી શકે છે અને કયા વિસ્તારોમાં તેઓ ઉપલબ્ધ છે તે પણ સ્પષ્ટ કરી શકે છે. બીજી તરફ, વૃદ્ધ લોકોએ વેબસાઇટ પર કેવી મદદની જરૂર છે તેની નોંધણી કરાવવાની રહેશે. એલિકુલમમાં આ એક પાઈલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયું છે. પંચાયત, પોલીસ વિભાગ, રીક્ષા-ટેક્સી યુનિયન અને વરિષ્ઠ નાગરિક જૂથોને પણ આમાં સામેલ કરાયા છે.
યોજનાના સ્વરૂપ અલગ, પરંતુ ઉદ્દેશ્ય સમાન
‘ટાઈમ બેન્ક’ જાપાનની ફુરેઈ કિપ્યુ યોજનાથી પ્રેરિત છે. જાપાનમાં તેને ‘કેરિંગ રિલેશન ટિકિટ’ કહે છે. વૃદ્ધોની એક કલાક સેવાના બદલામાં અથવા તેમને સમય આપવાના બદલામાં એક ક્રેડિટ મળે છે. અમેરિકામાં ‘ટાઈમ બેન્ક યુએસ’ હેઠળ કોઈ વ્યક્તિ બીજા માટે જમવાનું બનાવે છે અને બદલામાં કોઈ અન્ય પાસેથી બાગાયત કામની સેવા લઈ શકે છે. સ્પેનમાં વૃદ્ધોની સંભાળ, ભાષા શીખવવામાં મદદ માટે ‘બેન્કો ડેલ ટિએમ્પો’ અને સ્વિત્ઝર્લેન્ડમાં વૃદ્ધોના મદદગાર બનવા માટે ‘જિટ્ટોસોર્ગે’ પહેલ કરાઈ છે, જેના ઉત્સાહજનક પરિણામ મળી રહ્યા છે.


