લાગોસ: નાઇજીરિયાના બેન્જામિન ડેનિયલ નામના 33 વર્ષના યુવાને વિશ્વવિક્રમ સર્જવા માટે ડાન્સિંગ-મેરેથોન શરૂ કરી હતી. તેનો ટાર્ગેટ હતો સૌથી લાંબી ડાન્સ-મેરેથોનનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરવાનો. આ સિદ્ધિ માટે તેને 127 કલાક કરતાં વધુ સમય ડાન્સ કરવાનો હતો. જોકે આ મેજિક ફિગર હાંસલ કરી લીધા પછી તો આ ભાઇસા’બ એવા તે જોશમાં આવી ગયા કે તેણે લાગલગાટ 168 કલાક ડાન્સ કરીને ઇતિહાસ રચ્યો છે.
બેન્જામિને લાગોસના ફ્રીડમ પાર્કમાં આ ડાન્સ-મેરેથોન યોજી હતી, જે દિવસ-રાત અવિરત ચાલી હતી. રેકોર્ડ સર્જવાના આ પ્રયાસ દરમિયાન તેને દર કલાકે માત્ર પાંચ મિનિટ આરામ કરવાની તેમજ વોશરૂમ-બ્રેક સિવાય કોઈ પણ પ્રકારે ડાન્સ અટકાવવાની છૂટ નહોતી. બેન્જામિને વિક્રમ સર્જવા માટે ફ્રી-સ્ટાઇલ એફ્રોબીટ્સ ડાન્સ કર્યો હતો જેમાં તે ક્યારેક ખૂબ જ એનર્જેટિક મૂવ્સ કરતો હતો અને જ્યારે થાકતો હતો ત્યારે બોડીની સૂક્ષ્મ અને હળવી મૂવમેન્ટ કરીને વણકહ્યો આરામ પણ કરી લેતો હતો. આ દરમિયાન તે માત્ર લિક્વિડ ડાયટ લેતો હતો જેથી ડીહાઇડ્રેશન ન થાય અને એનર્જી જળવાયેલી રહે. લગાતાર 7 દિવસ ચાલેલા આ મહોત્સવમાં તેણે અલગ-અલગ પરંપરાગત વસ્ત્રો પહેરીને નૃત્ય કર્યું હતું. આફ્રિકાના લોકનૃત્યની સાથે તે વચ્ચે વચ્ચે ફુજી, જાઝ અને જૂક જેવાં ડાન્સ-ફોર્મ્સમાં પણ ડાન્સ કર્યા હતા.
2023માં ભારતની સૃષ્ટિ સુધીર નામની યુવતીએ 127 કલાક લગાતાર ડાન્સ કરીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. બેન્જામિને આ આંકડો સર કરવાનો હતો, પરંતુ આ મેજિક ફીગર અચીવ થઈ ગયો એ પછી તો બેન્જામિન વધુ જોશમાં આવી ગયો હતો. તેણે સતત 7 દિવસ એટલે કે 168 કલાક ડાન્સ કર્યો હતો. જોકે તેને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા સૌથી લાંબો સમય નૃત્ય કરનાર ડાન્સર તરીકેનું પ્રમાણપત્ર મળવાનું બાકી છે.


