ચેન્નાઈઃ ભારતમાં આર્થિક વ્યવહારો કેટલી હદે ડિજિટલ થઇ રહ્યા છે તે જોવું જાણવું હોય તો આ સાથેની તસવીર પર નજર ફેરવી લો... કેરળના એક પિતાએ દીકરીના લગ્નમાં મહેમાનો પાસેથી ‘ચાંદલો’ સ્વીકારવા આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અનોખો ઉપાય અજમાવ્યો છે. આ માટે તેમણે શર્ટ પર પેટીએમ ક્યુઆર કોડનો બેજ લગાવી દીધો હતો, જેનાથી મહેમાનો રોકડને બદલે સરળતાથી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરી શકે. આ લગ્ન સમારોહ કેરળના મલ્લાપુરમ જિલ્લામાં યોજાયો હતો. દુલ્હનના પિતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળે છે કે, પિતા મહેમાનોનું હાથ જોડીને અભિવાદન ઝીલી રહ્યા છે અને શર્ટ પર મોટો પેટીએમ ક્યુઆર કોડ બેજ છે. જેના પર લખેલું છેઃ ‘શગુન પેટીએમ દ્વારા સ્વીકાર્ય છે’. આજના ડિજિટલ યુગમાં ઘણા ભારતીયો રોકડાની જગ્યાએ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પસંદ કરે છે ત્યારે લગ્નમાં ‘ડિજિટલ શગુન’નો આઈડિયા લોકોને ઘણો પસંદ આવ્યો છે. આ વીડિયોએ સાબિત કરી દીધું છે કે, ભારતીય લગ્નોમાં પરંપરાની સાથે હવે ટેક્નોલોજીએ પણ પ્રવેશ કરી લીધો છે.


