તમારા શોપિંગને કન્ટ્રોલ કરતી ઇન્ટેલિજન્ટ બેગ

Thursday 05th March 2015 07:32 EST
 

ન્યૂ યોર્કઃ એક એવી હાઈ-ટેક હેન્ડબેગ તૈયાર કરાઇ છે કે જે શોપિંગ શોખીનોના ખર્ચને અંકુશમાં રાખવાનું કામ કરે છે. આઈ-બેગ તરીકે ઓળખાતી આ ઇન્ટેલિજન્ટ બેગ સેન્સર દ્વારા તેના માલિકની શોપિંગની આદતોને નિયંત્રિત કરે છે. ખાસ કરીને શોપિંગના કલાકો દરમિયાન આ બેગ ઓટોમેટિક બંધ થઈ જાય છે, જેથી વ્યક્તિ પૈસા કે ક્રેડિટ કાર્ડના અભાવે શોપિંગ કરી શકતી નથી.
ક્રેડિટ કાર્ડ ફાઈન્ડર ડોટ કોમ ડોટ એયુ દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણના આધારે આ આઈ-બેગ બનાવાઇ છે. કંપનીના વડા માઈકલ હચિસનના જણાવ્યા પ્રમાણે જે લોકો પોતાના ખર્ચ પર કાબૂ રાખી શકતા નથી તેમના માટે આઈબેગ તૈયાર કરાઇ છે. ઘણા લોકોનો તેમના ક્રેડિટ કાર્ડ ખર્ચ પર કાબૂ નથી હોતો અને તેઓ શોપિંગ કરતી વખતે તેની નાણાકીય અસરો શું થશે તે સમજી શકતાં નથી. આ લોકો માટે બેગ બહુ ઉપયોગી છે.
આ સર્વેક્ષણ પરથી એવું બહાર આવ્યું હતું કે, ક્રેડિટ કાર્ડ દ્વારા ખર્ચ કરતાં લોકોએ પોતાના પર કડક નિયંત્રણો મૂકવાની જરૂર છે. આઈ-બેગ તેમને જ્યારે શોપિંગ કરવાની ઉત્કટ ઇચ્છા થઈ આવે ત્યારે જ લોક થઈ જાય છે અને આ રીતે તેમને ટૂંકા ગાળાની રાહત મળી જાય છે. જ્યારે તેઓ 'ડેન્જર સ્પેન્ડિંગ ઝોન'માં પ્રવેશે છે ત્યારે એસએમએસ કરીને આઈબેગ પોતાના માલિકને એલર્ટ આપે છે.
આઈ-બેગ કઈ રીતે કામ કરે છે?
વોલેટ ક્યારે અને કેટલી વાર બેગમાંથી કાઢવામાં આવે છે તેનો ટ્રેક રાખવા માટે આરએફઆઈડી સ્માર્ટ ટેગનો ઉપયોગ કરાય છે. યૂઝર્સના - ખાસ કરીને લંચટાઈમ જેવા - ખર્ચના સમય દરમિયાન બેગને લોક થઈ જવા માટે ઘડિયાળ સેટ કરી શકાય છે. આ બેગમાં રહેલું મોબાઈલ ફોન મોડયુલ એસએમએસ એલર્ટ મોકલીને યુઝરને શોપિંગ સામે સતર્ક કરી દે છે. આ માટે જીપીએસ ચીપ યૂઝરને ચેતવણી આપવા માટે એલઈડી લાઈટનો ઉપયોગ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter