તાઇપેઇઃ લોકોમાં સામાન્યતઃ એક માન્યતા એવી પ્રવર્તે છે કે આયુષ્યના મામલે સાઠનો દસકો વટાવ્યા પછી શરીર નબળું પડી જાય છે અને જિંદગી માત્ર આરામ કરવા માટે જ હોય છે. જોકે તાઈવાનનાં 72 વર્ષીય લિન સુઇ-ઝુએ આ માન્યતાને સંપૂર્ણપણ ખોટી ઠેરવી છે. પાંચ પૌત્ર-પૌત્રીનાં દાદી લિન આજે પોતાની અદ્ભુત ફિટનેસ અને બોડીબિલ્ડિંગના કારણે સોશિયલ મીડિયા પર પ્રેરણાનું જીવંત ઉદાહરણ બની ગયાં છે.
જોવા વાત તો એ છે કે લિને પોતાની ફિટનેસ સફરની શરૂઆત યુવાનીમાં નહીં, પરંતુ 69ની વયે કરી હતી. તેમણે જોયું કે વૃદ્ધ લોકો કસરતથી ડરે છે, ત્યારે તેમણે પોતે વેટ ટ્રેનિંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો, અને પછી તો ઇતિહાસ રચાયો છે. તાજેતરમાં જ તેમણે ‘પ્રેસિડેન્ટ્સ કપ બોડીબિલ્ડિંગ એન્ડ ફિટનેસ ચેમ્પિયનશિપ'માં 70 વર્ષ કરતાં મોટી વયના લોકોની કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. લિન સપ્તાહમાં 6 દિવસ જિમમાં સખત ટ્રેનિંગ લે છે.
તાજેતરમાં સ્ટેજ પર પર્પલ બિકીની પહેરીને મસલ્સ ફ્લોન્ટ કર્યા, તે જોઈને પ્રોફેશનલ એથ્લીટ્સ પણ દંગ રહી ગયાં.
લિન જણાવે છે કે, સમાજ ઘણો રૂઢિચુસ્ત હતો, તેથી બિકીની સૂટ પહેરીને પર્ફોમ કરવું અઘરું હતું. પરંતુ આજે 72ની ઉમરે હું સ્ટેજ પર મારી તાકાત અને સુંદરતા બંને બતાવી રહી છું.
મલ્ટી-ટેલેન્ટેડ દાદી
લિનનું ડેઇલી રૂટિન માત્ર જિમ પૂરતું સીમિત નથી. તેઓ પેઇન્ટિંગ, યોગ અને બોલરૂમ ડાન્સ પણ કરે છે. તેમનું માનવું છે કે ફિટનેસથી માત્ર શરીર જ નહીં, પણ આત્મવિશ્વાસ પણ મજબૂત થાય છે. વધતી ઉંમર સામે ઝૂકવાને બદલે લિન આજે દુનિયાને શીખવી રહ્યા છે કે સપના પૂરા કરવાની કોઈ ઉમર નથી હોતી.


