ન્યૂ યોર્કઃ વિજ્ઞાઓની વર્ષોની મહેનત આખરે ફળી છે. અત્યાર સુધી વીજળીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે ઇલેક્ટ્રિક તારની જરૂર પડતી હતી, જોકે હવે કદાચ આ ઝંઝટમાંથી મુક્તિ મળશે તેવું લાગે છે.
જાપાનની ટોચની કંપની મિત્સુબીશી હેવી ઇન્ડસ્ટ્રીઝે કોઇ પણ પ્રકારના તાર વગર અંતરિક્ષથી મેળવેલી સૌર વીજળીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં સફળતા મેળવી છે. કંપનીએ જણાવ્યું હતું કે અંતરિક્ષમાંથી સૂર્યઊર્જા ઉત્પાદનને વાસ્તાવિક રૂપ દેવાની દશામાં આ એક બહુ મહત્ત્વનું પગલું છે. આ શક્ય બન્યું છે માઇક્રોવેવ ટેક્નોલોજીના ઉપયોગથી.
આ ટેક્નોલોજીની મદદથી ૧.૮ કિલોવોટ વીજળી ૧૭૦ ફૂટ દૂર રિસિવર સુધી પહોંચાડાઇ હતી. ૧.૮ કિલોવોટ વીજળી સામાન્ય રીતે કિચનમાં ઉપયોગમાં લેવાતાં ઉપકરણો ચલાવવા માટે પૂરતી છે. આ વાયરલેસ વીજળી સપ્લાય ટેક્નોલોજી હાલ તો સંશોધનના પ્રથમ તબક્કામાં છે.
સૌપ્રથમ સૌરઊર્જાનાં ઉત્પાદનનો વિચાર ૧૯૬૦માં આવ્યો હતો. અમેરિકા અને જાપાનના વૈજ્ઞાનિકો દ્વારા આ પ્રયોગ કરવાનો વિચાર કરાયો હતો. ૨૦૦૯માં જાપાને આ પ્રયોગની શરૂઆત કરી. જોકે હવે તેને આ ક્ષેત્રે એક મોટી સફળતા મળી છે.
કઇ રીતે શક્ય બન્યું?
કંપનીએ એક સ્થળેથી બીજા સ્થળે કોઇ પણ પ્રકારના તાર વગર લગભગ ૧.૮ કિલોવોટ વીજળીનો સપ્લાય કર્યો તે માઇક્રોવેવ ટેક્નોલોજીની મદદથી શક્ય બન્યું. માઇક્રોવેવ એ સૂક્ષ્મ તરંગો છે, તેને વિદ્યુત ચુંબકીય તરંગો પણ કહેવામાં આવે છે અને તેની આવૃત્તિ ૩૦૦ મેગાહર્ટઝથી લઇને ૩૦૦ ગીગાહર્ટઝ સુધીની હોય છે. સામાન્ય રીતે આ તરંગોનો ઉપયોગ માઇક્રોવેવ ઓવન, રડાર, મોબાઇલ, ટેલિવિઝનમાં થાય છે. કંપનીએ એક અતિ આધુનિક કન્ટ્રોલ ડિવાઇસનો ઉપયોગ કરીને આ પ્રયોગમાં સફળતા મેળવી છે.
અંતરિક્ષમાંથી વીજળી
વૈજ્ઞાનિકોનો દાવો છે કે ધરતીથી અંતરિક્ષમાં ૩૬,૦૦૦ કિમી દૂર સોલર પેનલનું માળખું સ્થાપિત કરવું હવે શક્ય છે. જોકે આ માટે ઘણી મહેનતની જરૂર છે. જાક્સા એજન્સીએ જણાવ્યું હતું કે હજુ એક વિશાળ માળખાને અંતરિક્ષમાં મોકલવાની જરૂર છે અને એ માટે ઘણો ખર્ચ અને સંશોધન કરવાની જરૂર છે.