અંકારાઃ તુર્કીના પાટનગર અંકારામાં એક એવું પુસ્તકાલય છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અહીં કચરાના ઢગલામાંથી નીકળેલા, જૂના અને ફેંકી દેવાયેલા પુસ્તકોને એકત્રિત કરાયા છે. આ પુસ્તકાલયનું નામ ‘ચોપ્લેન ચિકાન કુતુફાને’નામ અપાયું છે, જેનો અર્થ કચરામાંથી બનેલું પુસ્તકાલય. આ પહેલ માત્ર પુસ્તકો બચાવવા માટે નહીં, પરંતુ વાંચવાની સંસ્કૃતિને ફરી જીવંત કરવા અને સમુદાયને જોડવાની મિસાલ બની ગઈ છે.
અંકારાના સફાઈ કર્મચારીઓ 2016માં રોજની જેમ કચરો અલગ કરી રહ્યા હતા, આ દરમિયાન તેમણે જોયું કે મોટી સંખ્યામાં પુસ્તકો કચરામાં ફેંકી દેવાતા હતા. આમાંના ઘણા પુસ્તકો સારી સ્થિતિમાં હતા. કર્મચારીઓએ નિર્ણય કર્યો કે તેને ફેંકી દેવાને બદલે સંભાળીને રાખવામાં આવે. શરૂઆતમાં લગભગ 500 પુસ્તકો એકઠા થયા. બાદમાં વધતાં વધતાં તેની સંખ્યા 25 હજારને પાર પહોંચી ગઈ હતી. ત્યારબાદ મેયર અલ્પર તદેલે જૂની ઈંટોની ફેક્ટરીને નવું સ્વરૂપ આપી લાયબ્રેરી બનાવી હતી.
શાળાઓ અને જેલોમાં પણ પહોંચે છે પુસ્તકો
હવે આ લાયબ્રેરી માત્ર વાચકોની જગ્યા નથી, પરંતુ ‘બુક ડોનેટિંગ સેન્ટર’ પણ બની ગઈ છે. આ ટીમે અત્યાર સુધીમાં 50થી વધુ શાળા-કોલેજોને 7500થી વધુ પુસ્તક આપ્યા છે. ઘણીવાર કર્મચારી શાળાઓમાં જઈને પુસ્તકો પહોંચાડે છે. જરૂરિયાત મુજબના પુસ્તકો મોકલે છે. 500 પુસ્તકોથી શરૂ થયેલી લાયબ્રેરીમાં આજે 10 હજાર પુસ્તકો છે.


