ત્રણ મિનિટ સુધી ‘મૃત’ રહેલી વ્યક્તિએ કર્યું મૃત્યુ પછીનું આવું વર્ણન

Thursday 12th February 2015 10:17 EST
 

હૃદયરોગના હુમલામાં બચી ગયેલાં લગભગ ૪૦ ટકા લોકોએ ક્લિનિકલ ડેડની સ્થિતિ અને તેમનાં હૃદય ફરી ધબકતા થયાના સમયગાળામાં વિશેષ પ્રકારની ચેતના અનુભવી હોવાનો દાવો કર્યો હતો. એક વ્યક્તિએ તો એવો દાવો કર્યો હતો કે પોતાનું શરીર સંપૂર્ણપણે છોડી દીધા બાદ તેને બચાવવાના થઇ રહેલા પ્રયાસો તે રૂમના એક ખૂણામાંથી જોઈ રહ્યો હતો.
ત્રણ મિનિટ માટે ક્લિનિકલી ડેડ થઇ ગયેલા સાઉધમ્પ્ટનના ૫૭ વર્ષીય સામાજિક કાર્યકર નર્સિંગ સ્ટાફે કરેલી કામગીરી વિગતવાર વર્ણવી હતી. એટલું જ નહીં, મશીનોના અવાજ અંગે પણ માહિતી આપી હતી.
અભ્યાસનું નેતૃત્વ કરનાર ન્યૂ યોર્ક સ્ટેટ યુનિવર્સિટીના સંશોધક ડો. સામ પર્નિયા કહે છે કે આપણે જાણીએ છીએ કે હૃદય ધબકવાનું બંધ કરે છે ત્યારે મગજ કામ કરી શક્તું નથી, પરંતુ આ કેસમાં હૃદય ત્રણ મિનિટ માટે ધબકતું બંધ થઇ ગયું હોવા છતાં મગજ સક્રિય રહ્યું હતું. સામાન્ય સંજોગોમાં હૃદય ધબકવાનું બંધ થાય કે ૨૦-૩૦ સેકન્ડમાં જ મગજ કામ કરવાનું બંધ કરી દે છે, પરંતુ આ વ્યક્તિએ તો તે રૂમમાં બનેલી તમામ ઘટનાનું વર્ણન કર્યું હતું. મહત્ત્વની વાત તો એ છે કે તેણે દર ત્રણ મિનિટે બીપનો અવાજ કરતાં મશીનનો અવાજ પણ બે વાર સાંભળ્યો હતો તેથી અમે અનુમાન લગાવી શકયા કે તેનું મગજ કેટલો સમય સક્રિય રહ્યું હશે.
પર્નિયાએ જણાવ્યું હતું કે તે માણસની વાત તદ્દન ભરોસાપાત્ર હતી, તેની સાથે જે કંઇ થયું તેનું તેણે સચોટ વર્ણન કર્યું હતું. હૃદયરોગના હુમલાનો ભોગ બનેલા ૨૦૬૦ દર્દી પરના અભ્યાસમાં ૩૩૦ બચી ગયેલા પૈકીના ૧૪૦એ જણાવ્યું હતું કે હૃદય બંધ પડયા અને પુનઃ ધબકતું થયાના સમયગાળામાં તેમણે એક પ્રકારની જાગ્રતિ અનુભવી હતી.
પાંચમાંથી એક દર્દીએ અદ્ભુત શાંતિનો અનુભવ કર્યાનો દાવો કર્યો હતો તો ૩૩ ટકા દર્દીઓએ જણાવ્યું હતું કે કાં તો સમયની ઝડપ અત્યંત ઘટી અથવા તો વધી ગઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter