લોસ એન્જલસઃ પહેલી જ વાર કોઈક આધ્યાત્મિક ગુરુને સંગીતજગતના સૌથી પ્રતિષ્ઠિત ગ્રેમી એવોર્ડથી પુરસ્કૃત કરાયા છે. તિબેટના બૌદ્ધ ધર્મગુરુ પહેલીવાર ગ્રેમી એવોર્ડ જીત્યા છે. 68મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ સમારંભમાં દલાઈ લામાના આલ્બમ ‘મેડિટેશનઃ ધ રિફ્લેક્શન ઓફ હિઝ હોલીનેસ ધ દલાઈ લામા’ને આ સન્માન મળ્યું છે. 90 વર્ષના દલાઈ લામાએ ઓડિયો બુક, નેરેટર અને સ્ટોરીટેલિંગ રેકોર્ડિંગ કેટેગરીમાં આ એવોર્ડ જીત્યો છે. અમેરિકી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બ્રાઉન જેક્સનને હરાવીને તેમણે આ કેટેગરીમાં એવોર્ડ જીત્યો છે. આ સાથે જ દલાઇ લામાનું નામ કે-પોપ અને સ્ટીવન સ્પીલબર્ગ જેવા ગ્રેમી એવોર્ડ વિજેતા કલાકારોની યાદીમાં ઉમેરાઇ ગયું છે. દલાઈ લામાને જે આલ્બમ માટે ગ્રેમી એવોર્ડ મળ્યો છે તે વિશ્વભરના લોકોને શાંતિ સંદેશ આપે છે. આલ્બમ મેડિટેશન તિબેટી બૌદ્ધગુરુના વિચારોનો સંગ્રહ છે. તેમાં કરુણા, મનની શાંતિને વધારવાને મુદ્દે વિચારો શેર થયા છે. આ આલ્બમ દુઃખની બહાર આવવાનો માર્ગે ચિંધે છે.
આલ્બમમાં સંગીત, મેડિટેશન અને આધ્યાત્મિક વિચારો બધું જ સામેલ છે. વિશ્વમાં સદભાવ અને ખુશાલી વધારવાના હેતુસર આ આલ્બમ તૈયાર થયું છે. દલાઈ લામાએ સોમવારે જણાવ્યું હતું કે ગ્રેમી એવોર્ડ જીતવો તે તેમની વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સહિયારી જવાબદારીની ઓળખ છે.


